Loading Please Wait !!!
એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર ખતરનાક સ્ટન્ટ, રશિયન કપલની ધરપકડ

  • 1454 ફૂટ ઊંચી ટોચ પર લગ્નનો પ્રસ્તાવ મૂકવો પડ્યો ભારે, જેલના સળિયા પાછળ વિતાવી રાત
  • કાળા કપડાં પહેરી ટોચ પર લહેરાવ્યું બેનર, NYPD ની એલિટ ટીમે ઝડપી લીધા
  • રશિયન રૂફટોપર્સ એન્જેલા અને ઇવાન સામે ગેરકાયદેસર પ્રવેશ અને તોડફોડના ગંભીર ગુના નોંધાયા

સિટી ન્યૂઝ @ ન્યૂયોર્ક

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં વિશ્વ વિખ્યાત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની 1454 ફૂટ ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર રશિયન મૂળના બે પ્રખ્યાત રૂફટોપર્સની પોલીસે ધરપકડ કરી છે. 33 વર્ષીય એન્જેલા નિકોલાઉ અને 32 વર્ષીય ઇવાન કુઝનેત્સોવ નામના આ કપલે સગાઈની ખુશી મનાવવાને બદલે પોતાની પ્રથમ રાત જેલની અલગ-અલગ કોટડીમાં વિતાવવાનો વારો આવ્યો હતો. અગાઉ ચીન અને કેલિફોર્નિયામાં પણ આવા સ્ટન્ટ કરી ચૂકેલા આ બંને વિરુદ્ધ હવે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બુધવારે બપોરે કાળા કપડાં પહેરીને આ કપલ ઇમારતની ટોચે પહોંચ્યું હતું અને ત્યાં શાંતિનો સંદેશ આપતું મોટું બેનર લહેરાવ્યું હતું. કપલના આ અતિ જોખમી સ્ટન્ટ પર ન્યૂયોર્ક પોલીસ વિભાગે ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા નજર રાખી હતી. આખરે, ઊંચાઈ પરથી રેસ્ક્યુ કરવામાં નિષ્ણાત એવી પોલીસની એલિટ ઇમરજન્સી સર્વિસ યુનિટે બંનેને સુરક્ષિત રીતે નીચે ઉતારીને કસ્ટડીમાં લીધા હતા. ચુસ્ત સુરક્ષા હોવા છતાં છેક ટોચ સુધી આ કપલ કેવી રીતે પહોંચી ગયું તે અંગે સુરક્ષા એજન્સીઓ પણ ભારે આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે.

ન્યૂયોર્ક સિટીની ક્રિમિનલ કોર્ટમાં બંનેને રજૂ કરવામાં આવ્યા બાદ તેમની સામે ગેરકાયદેસર પ્રવેશ, જાહેર જનતાનો જીવ જોખમમાં મૂકવો અને તોડફોડના સાધનો રાખવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 1931 માં બનેલી આ ઐતિહાસિક બિલ્ડિંગના માલિકોએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ પ્રેમમાં પડેલા કપલ્સને આવકારે છે, પરંતુ લગ્નના પ્રસ્તાવ માટે આવા જોખમી રસ્તાઓ અપનાવવાને બદલે બિલ્ડિંગના ઓબ્ઝર્વેશન ડેકનો કાયદેસર અને સુરક્ષિત રીતે ઉપયોગ કરવો જોઈએ.

સોશિયલ મીડિયા પર રૂફટોપિંગનો જીવલેણ ક્રેઝ આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થવા અને લાઇક્સ મેળવવાની લ્હાયમાં યુવાનો રૂફટોપિંગ જેવા જીવલેણ સ્ટન્ટ તરફ વળ્યા છે. કોઈપણ પ્રકારની સુરક્ષા વિના ગગનચુંબી ઇમારતો પર ચઢીને ફોટો કે વીડિયો લેવા એ માત્ર કાયદાકીય ગુનો જ નથી, પરંતુ જીવ માટે પણ મોટું જોખમ છે. આવા સ્ટન્ટને પ્રોત્સાહન મળતું અટકાવવા માટે કડક પગલાં લેવા અત્યંત જરૂરી છે.