રૂ.2.50 કરોડની કથિત ઠગાઈ કેસમાં મહિલા આરોપીને જામીન
» ચાર્જશીટ પહેલાં તપાસના તબક્કે રાહત; સગર્ભા હોવા સહિતની દલીલો ધ્યાને લઈ સેશન્સ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ મથકમાં નોંધાયેલા અંદાજે રૂ. ૨.૫૦ કરોડની કથિત છેતરપિંડીના ગંભીર કેસમાં રાજકોટની નામદાર સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપતા મહિલા આરોપી દીપાબેન રાજેશભાઈ મારૂને ચાર્જશીટ દાખલ થાય તે પહેલાં જ શરતી નિયમિત જામીન મંજૂર કર્યા છે. આ નિર્ણય કાયદાકીય દ્રષ્ટિએ નોંધપાત્ર માનવામાં આવી રહ્યો છે.
ફરિયાદી કરણરાજસિંહ યોગેન્દ્રસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી દીપાબેન તથા આશિષભાઈ દેથલીયાએ જમીનની દલાલીમાંથી મોટી રકમનો નફો અપાવવાની લાલચ આપી વિશ્વાસ કેળવ્યો હતો. ફરિયાદીનો આક્ષેપ છે કે, વિવિધ હપ્તામાં લોન, ક્રેડિટ કાર્ડ અને સોનાના દાગીના ગીરવે મૂકી કુલ રૂ. ૨,૪૯,૭૦,૧૦૧ જેટલી મોટી રકમ મેળવ્યા બાદ આરોપીઓએ તે પરત કરી નહોતી. આ સમગ્ર વ્યવહાર વિશ્વાસઘાત અને છેતરપિંડીનો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧ (૨) (એ) અને ૩૧૯ (૨) હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
જામીન અરજી દરમિયાન બચાવ પક્ષે વિગતવાર રજૂઆત કરી હતી કે ફરિયાદ લાંબા સમય બાદ નોંધાવવામાં આવી છે અને અગાઉ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન કોઈ ગુનો નોંધાયો ન હતો. ઉપરાંત સમગ્ર વ્યવહારમાં અનેક શંકાસ્પદ પાસાં હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું. બચાવ પક્ષે વધુમાં દલીલ કરી હતી કે મહિલા આરોપી ત્રણ મહિનાની સગર્ભા હોવાથી જેલમાં આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે અને તેઓ ભાગી જવાની શક્યતા પણ નથી, તેથી માનવતાવાદી દ્રષ્ટિકોણથી તેમને જામીન આપવામાં આવવા જોઈએ.
બંને પક્ષોની દલીલો, પોલીસ તપાસના દસ્તાવેજો તેમજ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદાઓને ધ્યાનમાં રાખીને રાજકોટની નામદાર સેશન્સ કોર્ટે દીપાબેન રાજેશભાઈ મારૂને શરતી નિયમિત જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ નિર્ણયથી કેસમાં આગળની કાર્યવાહી માટે નવી દિશા મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ કામમાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવિર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, એડવોકેટ તરીકે રોકાયેલ હતા.