Loading Please Wait !!!
પેપર લીક માફિયાઓ પર તવાઈ: પરીક્ષા સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • NTA ની ભલામણ બાદ IT મંત્રાલયનો આકરો નિર્ણય, ફેક પેપર લીકના દાવાઓનો પર્દાફાશ
  • 22 જૂન સુધી એપ પર હંગામી પ્રતિબંધ, જૂના મેસેજ એડિટ કરવાના ફીચર પર 30 જૂન સુધી રોક
  • IT એક્ટની કલમ 69A હેઠળ ઈમરજન્સી પાવરનો ઉપયોગ, અફવા ફેલાવતા તત્વો પર કડક લગામ

સિટી ન્યુઝ @ ન્યુ દિલ્હી

પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓ રોકવા માટે કેન્દ્ર સરકારે એક અત્યંત કડક પગલું ભર્યું છે. દેશભરમાં 22 જૂન 2026 સુધી ટેલિગ્રામ એપ પર હંગામી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી 21 જૂન 2026 ના રોજ યોજાનારી NEET ની પુનઃપરીક્ષાને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા અને નકલખોરીનું મોટું નેટવર્ક તોડવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ ભલામણ કરવામાં આવી હતી. જેના આધારે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 ની કલમ 69A હેઠળ મળેલી કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરી આ મોટો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારના આ નવા આદેશ અનુસાર ભારતમાં ટેલિગ્રામ પર 30 જૂન 2026 સુધી જૂના મેસેજ એડિટ કરવાનું ફીચર પણ બંધ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી નકલખોરી કરતા તત્વો અને ચીટિંગ રેકેટ્સ પરીક્ષા પૂરી થયા પછી આ એડિટ ફીચરનો દુરુપયોગ કરતા હતા. તેઓ અગાઉ મોકલેલા સામાન્ય મેસેજને એડિટ કરી તેમાં ઓરિજિનલ પ્રશ્નપત્રની પીડીએફ ફાઈલ અપલોડ કરતા હતા. મેસેજનો ટાઈમ સ્ટેમ્પ ન બદલાતા પેપર પરીક્ષા પહેલાં જ લીક થઈ ગયું હોવાનો ભ્રમ અને જુઠ્ઠાણાં ફેલાવવામાં આવતા હતા.

ટેલિગ્રામ પર પેપર લીક કરનારા શંકાસ્પદ લોકો અને ચેનલો પર કાર્યવાહી કરવા છતાં ખતરો ન ટળતા છેવટે આખા પ્લેટફોર્મ પર જ અસ્થાયી પ્રતિબંધ મૂકવો પડ્યો છે. પ્લેટફોર્મ પર પેપર લીકના નામે ચેનલો બનાવીને ઉમેદવારો પાસેથી નકલી પેપર માટે હજારો અને લાખો રૂપિયા પડાવવામાં આવી રહ્યા હતા. NTA એ સ્પષ્ટ કર્યું છે કે 21 જૂન 2026 ના રોજ લેવાનારી NEET ની પુનઃપરીક્ષા તેના નિર્ધારિત સમયે જ યોજાશે. તેથી વિદ્યાર્થીઓએ અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર વેબસાઇટની માહિતી પર જ ભરોસો રાખવો જોઈએ.

મેસેજ એડિટ ફીચરનો દુરુપયોગ નકલખોરો ટેલિગ્રામના મેસેજ એડિટિંગ ફીચરનો ઉપયોગ કરીને ખોટો ભ્રમ ઊભો કરતા હતા. તેઓ જૂના મેસેજમાં પેપરની પીડીએફ મૂકી દેતા જેથી સમય જૂનો જ દેખાય. ત્યારબાદ આ એડિટ કરેલી ચેટ વાઈરલ કરી પેપર લીક થયાનો દાવો કરાતો હતો. આ ષડયંત્રને રોકવા માટે જ સરકારે 30 જૂન 2026 સુધી આ ફીચર પર કડક રોક લગાવી દીધી છે.