મહારાષ્ટ્રમાં મોટો ભૂકંપ: ઉદ્ધવ ઠાકરેના 7 સાંસદો શિંદે જૂથમાં જોડાશે?
- માતોશ્રીની બેઠકમાં ગેરહાજર સાંસદ સંજય દેશમુખે દિલ્હીમાં શિંદે જૂથના મંત્રી સાથે ચા પીધી
- 9 માંથી માત્ર 4 સાંસદો માતોશ્રી પહોંચ્યા, 7 સાંસદો શિંદે સેનાના સંપર્કમાં હોવાની અટકળો
- કેન્દ્રીય મંત્રી પ્રતાપ જાધવ અને સંજય દેશમુખની ગુપ્ત મુલાકાતથી રાજકારણમાં ભારે ગરમાવો
સિટી ન્યુઝ @ મુંબઈ
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદો પક્ષ બદલશે તેવી અટકળો વચ્ચે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. તાજેતરમાં પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે દ્વારા મુંબઈ સ્થિત નિવાસસ્થાન માતોશ્રી ખાતે લોકસભાના તમામ 9 સાંસદોની એક અત્યંત મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. જોકે, આ બેઠકમાં માત્ર 4 સાંસદો જ રૂબરૂ હાજર રહ્યા હતા, જ્યારે બાકીના 5 સાંસદો વિડીયો કોન્ફરન્સથી જોડાયા હોવાનો દાવો પાર્ટીએ કર્યો હતો. આ આંકડાએ પક્ષમાં બધું બરાબર ન હોવાની ચર્ચાઓને ભારે વેગ આપ્યો છે.
માતોશ્રીની આ બેઠકમાં રૂબરૂ હાજર રહેવાને બદલે યવતમાલ-વાશિમ બેઠકના સાંસદ સંજય દેશમુખ દિલ્હી પહોંચી ગયા હતા. તેમણે દિલ્હીમાં શિંદે સેનાના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રતાપ જાધવ સાથે ખાસ મુલાકાત કરી હતી અને ત્યાંથી જ ઓનલાઈન હાજરી આપી હતી. આ મુલાકાત અંગે પ્રતાપ જાધવે બચાવ કરતા જણાવ્યું હતું કે સંજય દેશમુખ શૈક્ષણિક સંસ્થાના કામકાજ અંગે માહિતી જોઈતી હોવાથી સવારે દિલ્હી આવ્યા હતા અને અમે સાથે માત્ર ચા પીધી હતી. જાધવે આ મુલાકાતને બિન-રાજકીય ગણાવી હતી.
રાજકીય વર્તુળોમાં વહેતી થયેલી ચર્ચાઓ મુજબ, ઉદ્ધવ સેનાના 9 માંથી 7 સાંસદો શિંદે જૂથના સીધા સંપર્કમાં છે. રાજકીય નિષ્ણાતોના મતે પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા અને ગેરલાયક ન ઠરવા માટે ઓછામાં ઓછા 6 સાંસદોએ એકસાથે પક્ષ છોડવો પડે. બીજી તરફ ઉદ્ધવ જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે આ તમામ ચર્ચાઓને માત્ર અફવા ગણાવી છે અને દાવો કર્યો છે કે તમામ સાંસદો પક્ષના સતત સંપર્કમાં છે. હાલ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ આ ગુપ્ત મુલાકાતોએ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
પક્ષપલટા વિરોધી કાયદાનું ગણિત મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષપલટાને લઈને બંધારણીય નિયમો અત્યંત મહત્વના બની ગયા છે. ઉદ્ધવ સેનાના કુલ 9 લોકસભા સાંસદો છે. જો આ સાંસદોએ ગેરલાયક ઠર્યા વિના પક્ષપલટો કરવો હોય, તો નિયમ મુજબ ઓછામાં ઓછા બે તૃતીયાંશ એટલે કે 6 સાંસદોએ એકસાથે પાર્ટીમાંથી અલગ થવું પડે. આ કાયદાકીય મર્યાદાને કારણે જ હાલ સાંસદો ખૂબ જ સમજી-વિચારીને અને સાવચેતીપૂર્વક પોતાના રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે.