ભારતમાં સ્વાઈન ફ્લુના કેસોમાં ચિંતાજનક ઉછાળો, ચોમાસામાં વધી રહ્યો છે ખતરો!
-
દર વર્ષે ચોમાસા દરમિયાન શ્વસનતંત્રને લગતા વાયરસ વધુ સક્રિય બને છે.
-
સામાન્ય શરદી અને સ્વાઈન ફ્લુ વચ્ચેના તફાવતને સમજવો અત્યંત જરૂરી.
-
યોગ્ય સમયે તબીબી સલાહ અને સારવાર મેળવવાથી ચિંતા કરવાની જરૂર નથી.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન વાતાવરણમાં આવતા ફેરફારોને કારણે અનેક પ્રકારની વાયરલ બીમારીઓ અને ચેપી રોગોનો ફેલાવો ઝડપથી વધવા લાગે છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને સ્વાઈન ફ્લુ એટલે કે H1N1 વાયરસનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. હાલમાં ભારતમાં દિલ્હી સહિત દેશના વિવિધ વિસ્તારોમાં સ્વાઈન ફ્લુના કેસોમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે, જેને પગલે આરોગ્ય તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.સ્વાઈન ફ્લુ એ એક અત્યંત ચેપી અને ગંભીર શ્વસન સંબંધી રોગ છે, જે હવા અને સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ઝડપથી ફેલાય છે. ચોમાસામાં ભેજવાળા હવામાન અને વાતાવરણીય ફેરફારોના કારણે આ વાયરસ વધુ એક્ટિવ થઈ જાય છે. ઘણીવાર લોકો સ્વાઈન ફ્લુના પ્રારંભિક લક્ષણોને સામાન્ય શરદી કે મોસમી ઉધરસ સમજીને અવગણવાની ભૂલ કરે છે, જે પાછળથી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
સામાન્ય શરદી-ઉધરસ અને સ્વાઈન ફ્લુ વચ્ચે ચોક્કસ તફાવત હોય છે. સ્વાઈન ફ્લુમાં દર્દીને અચાનક ખૂબ જ સખત તાવ આવવો, ગળામાં અતિશય દુખાવો થવો, સતત ઉધરસ આવવી, મસલ્સ અને શરીરમાં અસહ્ય દુખાવો થવો તેમજ ભારે થાક અનુભવાવો જેવા મુખ્ય લક્ષણો જોવા મળે છે. ગંભીર કિસ્સાઓમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પણ પડી શકે છે.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો આ બીમારી અંગે સમયસર જાગૃતિ દાખવવામાં આવે અને લક્ષણો દેખાતા જ તબીબી તપાસ કરાવવામાં આવે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. યોગ્ય સમયે હાથ ધરવામાં આવેલી સારવાર અને એન્ટીવાયરલ દવાઓથી સ્વાઈન ફ્લુમાંથી સંપૂર્ણપણે સાજા થઈ શકાય છે અને દર્દીને ગંભીર સ્થિતિમાં પહોંચતા અટકાવી શકાય છે.
- સ્વાઈન ફ્લુના લક્ષણો
- સ્વાઈન ફ્લુ અને સામાન્ય વાયરલ વચ્ચે અંતર
સામાન્ય વાયરલ ઈન્ફેકશન અને સ્વાઈન ફ્લુ બંનેમાં શરદી, ઉધરસ, ગળામાં તકલીફ જેવા લક્ષણ જોવા મળે છે. પરંતુ બંને વચ્ચે સૌથી મોટું અંતર એ છે કે સામાન્ય વાયરલમાં શરદી, તાવ જેવા લક્ષણો ધીરેધીરે વધે છે, જ્યારે સ્વાઈન ફ્લુમાં અચાનક શરુઆત થાય છે અને તીવ્રતા વધારે હોય છે એટલે કે અચાનક 100 ડીગ્રીથી વધુ તાવ આવી જાય, વધારે પડતી ઉધરસ શરુ થઈ જાય, આ સિવાય શરીરમાં અચાનક નબળાઈ વધી જાય છે. સ્વાઈન ફ્લુમાં દર્દીને શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે. સ્વાઈન ફ્લુમાં નિમોનિયાનું જોખમ રહે છે.
- સ્વાઈન ફ્લુ થવાનું જોખમ કોને વધારે ?
સ્વાઈન ફ્લુ ચેપી રોગ છે જેથી કોઈપણ વ્યક્તિ સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવે તો તેને પણ ચેપ લાગી શકે છે. સ્વાઈન ફ્લુ થવાનું જોખમ સૌથી વધારે બાળકોને, વૃદ્ધોને અને ગર્ભવતી મહિલાઓને હોય છે. આ સિવાય જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને પણ સ્વાઈન ફ્લુ થવાનું જોખમ વધારે હોય છે.
- કયા લક્ષણો દેખાય તો તુરંત હોસ્પિટલ જવું?
શ્વાસ લેવામાં તકલીફ
ઓક્સીજન લેવલ ઘટી જવું
વધારે તાવ
બેચેનીનો અનુભવ થવો
ઊંઘ ન આવવી