Loading Please Wait !!!
વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે રવિવારે ભવ્ય લોકમેળો

 
  • રાજ્યના મંત્રી કાંતિલાલ અમૃતિયા, રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં થશે શુભારંભ
  • સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિને ઉજાગર કરતો મહોત્સવ
  • અન્નક્ષેત્ર અને ગૌશાળા માટે દાનની અપીલ
સિટી ન્યૂઝ@વાંકાનેર

વાંકાનેર તાલુકાના રતન ટેકરી ખાતે આવેલ સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં આગામી રવિવાર, તારીખ ૨૩-૦૮-૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એક ભવ્ય ભાતીગળ લોકમેળા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોક સંસ્કૃતિના ઐતિહાસિક વારસાને નિભાવતા આ કાર્યક્રમનું આયોજન લોક સાંસ્કૃતિક મેળા સેવા સમિતિ અને જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. લીલીછમ વનરાઈ વચ્ચે યોજાઈ રહેલો આ મેળો સૌરાષ્ટ્રની ધબકતી ભક્તિ, આનંદ અને ઉમંગના સંગમ સમાન બની રહેશે.

આ ભવ્ય કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થશે, જે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલભાઈ અમૃતિયા શોભાવશે. આ ઉપરાંત, પ. પૂ. મહંત રતીલાલજી મહારાજ અને લઘુમહંત જીતેન્દ્રપ્રકાશજીના આશીર્વચન સાથે સાંंसद પરષોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિતના અનેક રાજકીય અગ્રણીઓ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.

આ પ્રસંગે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ હાજરી આપશે. મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર અને જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સહિતના મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં આ લોકમેળો યોજાશે. સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ પણ વિશાળ સંખ્યામાં આ મહોત્સવના સાક્ષી બનશે.

આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે જડેશ્વર મહાદેવ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા સેવાકીય કાર્યો માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ સંસ્થામાં અન્નક્ષેત્ર તેમજ ગૌશાળા ચાલુ છે, જેના લાભાર્થે પધારનાર તમામ શ્રદ્ધાળુઓ અને દાતાઓને યથાશક્તિ દાન આપી સહયોગ આપવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.