ડ્રેગન ફ્રૂટથી થઈ શકે છે એલર્જી: આ લક્ષણો દેખાય તો તુરંત ચેતવું
-
ફાઇબર અને વિટામિનથી ભરપૂર હોવા છતાં વધુ માત્રામાં સેવન ટાળવું હિતાવહ
-
ડાયાબિટીસની દવા લેતા દર્દીઓમાં બ્લડ શુગર અચાનક ઘટી જવાનું જોખમ
-
પોટેશિયમ કંટ્રોલના કારણે કિડનીના દર્દીઓએ ડૉક્ટરની સલાહ મુજબ જ ખાવું
સિટી ન્યુઝ @ હેલ્થ
બજારમાં હાલ ડ્રેગન ફ્રૂટની સિઝન પૂરબહારમાં ખીલી છે અને સામાન્ય રીતે તેને સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ફળ માનવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટમાં ફાઇબર, વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ જેવા મહત્વના પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેમ છતાં અમુક ચોક્કસ શારીરિક તકલીફો કે બીમારીઓ ધરાવતી વ્યક્તિઓ માટે તેનું વધુ પડતું સેવન ફાયદાના બદલે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે તેવો મત આહાર નિષ્ણાત ડૉ. શ્રીલતા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
મુખ્યત્વે જે લોકોને ડ્રેગન ફ્રૂટથી એલર્જીની સમસ્યા હોય તેમણે તેનું સેવન સંપૂર્ણપણે ટાળવું જોઈએ. જોકે આ પ્રકારની એલર્જીના કિસ્સા ખૂબ ઓછા જોવા મળે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ ફળ ખાધા બાદ ત્વચા પર ચકામા, ખંજવાળ, હોઠ કે જીભમાં સોજો અને ઉલટી જેવા લક્ષણો દેખાઈ શકે છે. જો શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર સ્થિતિ ઊભી થાય, તો દર્દીએ કોઈપણ વિલંબ વિના તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી બને છે.
ડાયાબિટીસના દર્દીઓએ પણ ડ્રેગન ફ્રૂટના સેવન બાબતે વિશેષ સાવધાની રાખવી અનિવાર્ય છે. આ ફળ બ્લડ શુગર લેવલ પર સીધી અસર કરે છે. ખાસ કરીને જે દર્દીઓ શુગર ઘટાડવાની નિયમિત દવાઓ કે ઇન્સ્યુલિન લેતા હોય, તેઓ જો વધારે પ્રમાણમાં ડ્રેગન ફ્રૂટ ખાય તો તેમનું બ્લડ શુગર લેવલ અચાનક ઝડપથી નીચે આવી જવાનું મોટું જોખમ રહે છે. તેથી દર્દીઓએ પોતાના દૈનિક ડાયટ પ્લાન અનુસાર યોગ્ય માત્રા નક્કી કરવા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
કિડની સંબંધિત તકલીફો ધરાવતા દર્દીઓ માટે પણ વધુ પ્રમાણમાં આ ફળ ખાવું હિતાવહ નથી. કિડની યોગ્ય રીતે કાર્ય ન કરતી હોય ત્યારે શરીરમાં પોટેશિયમનું સ્તર સંતુલિત રાખવું મુશ્કેલ બને છે. ડ્રેગન ફ્રૂટમાં પોટેશિયમનું પ્રમાણ હોવાથી કિડનીના દર્દીઓએ તેને આહારમાં સામેલ કરતાં પહેલાં લોહીમાં પોટેશિયમનું સ્તર અને ચાલી રહેલી દવાઓને ધ્યાને રાખીને ડૉક્ટર પાસેથી યોગ્ય માત્રા જાણી લેવી સલાહભર્યું છે.
સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે સામાન્ય આહારના ભાગરૂપે મર્યાદિત માત્રામાં ડ્રેગન ફ્રૂટ ખાવું સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવે છે. જોકે, તેને કોઈ દવા કે હેલ્થ સપ્લિમેન્ટના રૂપમાં અતિશય માત્રામાં લેવા અંગે કોઈ નક્કર તબીબી સંશોધનો ઉપલબ્ધ નથી, જેથી કોઈપણ આહાર પ્રયોગ કરતાં પહેલાં માત્ર સામાન્ય અને સંતુલિત માત્રામાં જ સેવન કરવું યોગ્ય ગણાય છે.
ડ્રેગન ફ્રૂટ ખાતી વખતે આટલું સાચવવું
ડ્રેગન ફ્રૂટ પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં તેનું વધુ સેવન અમુક દર્દીઓ માટે નુકસાનકારક બની શકે છે. ડાયાબિટીસ અને કિડનીના દર્દીઓએ શુગર તેમજ પોટેશિયમના સ્તરને ધ્યાનમાં રાખીને ડૉક્ટરની સલાહ મુજબ જ તેનું સેવન કરવું જોઈએ. એલર્જી ધરાવતા લોકોએ આ ફળ ખાવાનું ટાળવું જોઈએ અને સગર્ભા મહિલાઓએ સામાન્ય માત્રામાં જ ખાવું જોઈએ.