અમૂલ અને મધર ડેરીના દૂધમાં 2 રૂપિયાનો વધારો
સિટી ન્યૂઝ@અમદાવાદ
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની શક્યતાઓ વચ્ચે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલે લિટરે દૂધના ભાવમાં ૨ રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારો ૧૪ મેથી લાગુ કરાશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ૧ મે, ૨૦૨૫ના રોજ અમૂલે લિટરે ૨ રૂપિયાનો વધારો કર્યો હતો.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની યાદી પ્રમાણે અમૂલ દૂધના મુખ્ય વેરિએન્ટ/પેકમાં પ્રતિ લિટર રૂપિયા ૨/- નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ ૧૪ મે ૨૦૨૫થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે. આ ભાવ વધારો મહત્તમ વેચાણ કિંમતમાં ૨.૫% થી ૩.૫% નો વધારો સૂચવે છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે.
અમૂલ દૂધના ભાવમાં મે-૨૦૨૫ બાદ અત્યાર સુધી કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. વધારો કરવાનું મુખ્ય કારણ પશુ આહાર, પેકેજિંગ અને બળતણ જેવા ઈનપુટ ખર્ચમાં થયેલો નોંધપાત્ર વધારો છે. અમૂલ તેના સહકારી માળખા દ્વારા ગ્રાહકો પાસેથી મેળવેલા દર ૧ રૂપિયામાંથી ૮૦ પૈસા (૮૦%) સીધા દૂધ ઉત્પાદકોને પરત આપે છે.
આ પહેલાં ૧ મે, ૨૦૨૫ ગુજરાત અને અન્ય રાજ્યોમાં અમૂલના તમામ પ્રકારના દૂધમાં પ્રતિ લિટર ૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ૪ જૂન-૨૦૨૪ના રોજ લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાના ત્રણ દિવસ પહેલાં જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જેમાં અમૂલ ગોલ્ડ દૂધમાં લિટરે ૨ રૂપિયા વધાર્યા હતા. જ્યારે અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી, ૨૦૨૪માં લિટરે ૨ રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
હવે ખાંડ મોંઘી થશે ?
ભારત સરકારે સ્થાનિક બજારમાં ખાંડના ભાવને અંકુશમાં રાખવા અને સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. બુધવારે મોડી સાંજે બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, સરકારે ખાંડની નિકાસ પર ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયની સીધી અસર વૈશ્વિક ખાંડ બજાર અને ભારતીય શેરબજારના સુગર સેક્ટર પર જોવા મળી રહી છે.
ભારત જેવો મોટો નિકાસકાર જ્યારે બજારમાંથી હટી જાય ત્યારે તેની અસર આખી દુનિયા પર પડે છે. ભારતના આ નિર્ણય બાદ તરત જ ન્યૂયોર્ક રો સુગર ફ્યુચર્સમાં ૨% થી વધુ અને લંડન વ્હાઈટ સુગર ફ્યુચર્સમાં લગભગ ૩% નો વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડ મોંઘી થવાથી હવે બ્રાઝિલ અને થાઈલેન્ડ જેવા દેશોને એશિયાઈ અને આફ્રિકન દેશોમાં પોતાનો વેપાર વધારવાની તક મળશે.
આ વર્ષે એલ નીનોની અસરોને કારણે ચોમાસું પ્રભાવિત થઈ શકે છે. જો વરસાદ ઓછો પડશે, તો આવતા વર્ષે શેરડીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થઈ શકે છે. આ આગમચેતીના પગલા રૂપે જ સરકારે અત્યારથી જ ખાંડનો સ્ટોક દેશમાં જાળવી રાખવા માટે નિકાસબંધી લાદી છે. મુંબઈના ગ્લોબલ ટ્રેડિંગ હાઉસના ડીલરોનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં જ્યારે સરકારે નિકાસની છૂટ આપી હતી, ત્યારે વેપારીઓએ મોટા સોદા કર્યા હતા. લગભગ ૧૫.૬ લાખ મેટ્રિક ટનમાંથી ૮ લાખ ટન ખાંડના કોન્ટ્રાક્ટ થઈ ચૂક્યા હતા.