ટ્રમ્પને મોટો ઝટકો: અમેરિકામાં જન્મજાત નાગરિકતાનો કાયદો યથાવત રહેશે
- સુપ્રીમ કોર્ટે 5-4 ની બહુમતીથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકારી આદેશ ગેરબંધારણીય ગણાવી રદ કર્યો.
- ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મજાત નાગરિકતા છીનવવાનો નિર્ણય રદ, કોંગ્રેસ પણ સામાન્ય કાયદાથી ફેરફાર નહીં કરી શકે.
- ગેરકાયદેસર પ્રવાસીઓ કે અસ્થાયી વિઝા પર આવેલા લોકોના બાળકોને પણ અમેરિકી નાગરિકતા મળતી રહેશે.
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન ડીસી
અમેરિકી સુપ્રીમ કોર્ટે સોમવારે એક મોટો બંધારણીય નિર્ણય સંભળાવતા સ્પષ્ટ કર્યું છે કે અમેરિકામાં જન્મેલું દરેક બાળક જન્મથી જ અમેરિકી નાગરિક ગણાશે. અદાલતે 5-4 ની બહુમતીથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે વિવાદાસ્પદ એક્ઝિક્યુટિવ ઓર્ડરને ગેરબંધારણીય ગણાવીને રદ કર્યો છે, જેમાં જન્મજાત નાગરિકતા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ જ્હોન રોબર્ટ્સે બહુમતીનો નિર્ણય લખતા કહ્યું કે, ભલે બાળકના માતા-પિતા ગેરકાયદેસર રીતે રહેતા હોય કે અસ્થાયી વિઝા પર આવ્યા હોય, બાળકને 14મા સુધારા હેઠળ નાગરિકતાનો અધિકાર મળશે જ.
ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરી 2025 ના રોજ પોતાના શપથ ગ્રહણના થોડા કલાકો પછી જ બર્થ રાઇટ સિટીઝનશિપ પર રોક લગાવતા આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, ફેડરલ અદાલતોએ તેના પર અસ્થાયી રોક લગાવી દીધી હતી અને આખરે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 1 એપ્રિલે સુનાવણી દરમિયાન ટ્રમ્પ પોતે પણ અદાલતમાં હાજર રહ્યા હતા, જે કોઈ વર્તમાન રાષ્ટ્રપતિ માટે અત્યંત દુર્લભ ઘટના હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે અમેરિકી સંસદ પણ સામાન્ય કાયદો બનાવીને આ જન્મજાત અધિકારનો વ્યાપ બદલી શકતી નથી, જો ફેરફાર કરવો હોય તો બંધારણમાં સુધારો કરવો પડશે.
જો ટ્રમ્પનો આદેશ લાગુ થયો હોત, તો દર વર્ષે અમેરિકામાં જન્મ લેનારા લગભગ 2.5 લાખ બાળકોની કાનૂની સ્થિતિ જોખમાત. અમેરિકામાં છેલ્લા 158 વર્ષથી આ વ્યવસ્થા લાગુ છે. 1865 માં ગૃહયુદ્ધ સમાપ્ત થયા બાદ જુલાઈ 1868 માં અશ્વેત લોકોને નાગરિકતા આપવાના હેતુથી 14મા સુધારાને મંજૂરી અપાઈ હતી, જેનો વ્યાપ હવે તમામ બાળકો માટે માન્ય રખાયો છે. ટ્રમ્પ અને તેમના સમર્થકો આ કાયદાના દુરુપયોગ અને વિદેશીઓ દ્વારા લેવાતા ગેરલાભનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ કોર્ટના આ નિર્ણયથી તેમના ચૂંટણી વચનને મોટો ફટકો પડ્યો છે.
બર્થ ટુરિઝમનો વધતો ટ્રેન્ડ
અમેરિકામાં જન્મજાત નાગરિકતા કાયદાનો લાભ લેવા માટે 'બર્થ ટુરિઝમ' નો ટ્રેન્ડ ઘણા સમયથી ચાલી રહ્યો છે. વિદેશી લોકો અભ્યાસ અથવા નોકરીના બહાને ત્યાં જઈને બાળકોને જન્મ આપે છે, જેથી બાળકને નાગરિકતા મળી જાય અને નાગરિકતાના બહાને માતા-પિતાને પણ ત્યાં કાયદેસર રહેવાનું કારણ મળી જાય. રિપોર્ટ મુજબ 16 લાખ ભારતીય બાળકોને આ રીતે અમેરિકી નાગરિકતા મળી ચૂકી છે.