PoKમાં પાકિસ્તાન વિરુદ્ધ બળવો: કાશ્મીર પાકિસ્તાનનો ભાગ નથી
- ઈદગાહ મેદાનમાં હજારો પ્રદર્શનકારીઓ એકઠા થયા, 1 કરોડના ઈનામી શૌકત નવાઝની ધરપકડ
- JAAC નેતા શૌકત નવાઝની ધીરકોટમાંથી ધરપકડ, 600થી વધુ કાર્યકરો પણ અટકાયતમાં
- રક્ષા મંત્રીના નિવેદન બાદ લોકોમાં રોષ, 2 અઠવાડિયામાં 22 લોકોના મોત
સિટી ન્યુઝ @ ઇસ્લામાબાદ
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) માં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ પ્રદર્શનોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મંગળવારે રાવલકોટના ઈદગાહ મેદાનમાં હજારો લોકો એકઠા થયા હતા અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ નથી. જમ્મુ-કાશ્મીર અવામી એક્શન કમિટી (JAAC) ના નેતૃત્વમાં ચાલી રહેલા આ આંદોલનમાં પ્રદર્શનકારીઓએ સરકારને પડકાર ફેંકતા કહ્યું છે કે તેમને પાકિસ્તાનની નહીં, પરંતુ પાકિસ્તાનને તેમની જરૂર છે. આંદોલનને દબાવવા માટે પાકિસ્તાન સરકાર જાણી જોઈને જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો રોકી રહી હોવાનો પણ ગંભીર આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે.
આ વિરોધ પ્રદર્શન વચ્ચે પાકિસ્તાન સરકારે મોટી કાર્યવાહી કરતા JAAC ના મુખ્ય નેતા શૌકત નવાઝ મીર અને તેમના 2 સાથીઓની ધીરકોટના સાંગર ફત્તારે વિસ્તારમાંથી ધરપકડ કરી છે. શૌકત નવાઝ પર અગાઉ સરકારે 1 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, PoK માં JAAC ના 600 થી વધુ નેતાઓ અને કાર્યકરોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. મોંઘવારી, ખાદ્ય સંકટ અને સ્થાનિક પ્રશાસનના મુદ્દાઓથી શરૂ થયેલું આ આંદોલન હવે રક્ષા મંત્રી ખ્વાજા આસિફના વિવાદિત નિવેદન બાદ સંપૂર્ણપણે રાજકીય સ્વરૂપ લઈ ચૂક્યું છે. 5 જૂને સરકારે JAAC પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારથી તણાવ ચરમસીમાએ છે.
વિસ્તારમાં હિંસા અને તણાવ સતત વધી રહ્યો છે, જેને પગલે જૂનની શરૂઆતથી જ PoK ના ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ મર્યાદિત કરી દેવામાં આવી છે. છેલ્લા 2 અઠવાડિયામાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણોમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત નીપજ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અસ્થિરતા વચ્ચે આગામી 27 જુલાઈએ PoK માં વિધાનસભા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. અગાઉ 12 જૂન સુધીમાં આ વિસ્તારમાં 46 પ્રદર્શનકારીઓના મોત અને 1100 લોકોની ધરપકડના અહેવાલો પણ સામે આવ્યા હતા.
PoKમાં આગામી વિધાનસભા ચૂંટણીનું માળખું
PoK માં આગામી 27 જુલાઈએ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અહીની વિધાનસભામાં કુલ 53 બેઠકો આવેલી છે. જેમાંથી 45 બેઠકો પર સીધી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જ્યારે બાકીની 8 બેઠકો મહિલાઓ, ટેકનિકલ નિષ્ણાતો અને ધાર્મિક વિદ્વાનો માટે ખાસ અનામત રાખવામાં આવી છે. વર્તમાન હિંસક માહોલ વચ્ચે આ ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવી એ પાકિસ્તાન પ્રશાસન માટે એક મોટો પડકાર બની રહેશે.