અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો ભીષણ હુમલો: 60 નિર્દોષ નાગરિકોના મોત
- ભારતની આકરા શબ્દોમાં ટીકા, આ કૃત્યને ગણાવ્યું અફઘાન સંપ્રભુતા પર પ્રહાર
- મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોના મૃત્યુ, તણાવ ચરમસીમા પર
- ભારતે પીડિતો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના, અફઘાનિસ્તાનને આપ્યું પૂર્ણ સમર્થન
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
પાકિસ્તાની વાયુસેના દ્વારા અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને કરવામાં આવેલા ભયાનક બોમ્બમારાને કારણે સમગ્ર ક્ષેત્રમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ થયેલા આ હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત આશરે 60 જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 160થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભારતે આ ઘટનાની આકરા શબ્દોમાં ટીકા કરી છે અને તેને અફઘાનિસ્તાનની સંપ્રભુતા પરનો સીધો પ્રહાર ગણાવ્યો છે.
ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આ વલણને અત્યંત શર્મજનક અને બિનજવાબદાર ગણાવ્યું છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાન પોતાની આંતરિક આર્થિક અને રાજકીય નિષ્ફળતાઓથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે આવી હિંસાનો આશરો લઈ રહ્યું છે. આ હુમલાથી માત્ર અફઘાનિસ્તાન જ નહીં પરંતુ સમગ્ર પ્રાદેશિક સ્થિરતા જોખમમાં મુકાઈ ગઈ છે. ભારતે અફઘાન પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને અફઘાનિસ્તાનની પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે અફઘાન લોકોની પડખે મક્કમતાથી ઊભા રહેવાની ખાતરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના કરાચીમાં આવેલા રેન્જર્સ હેડક્વાર્ટર પર થયેલા આતંકી હુમલાના બીજા જ દિવસે પાકિસ્તાને આ કાર્યવાહી કરી છે. કરાચી હુમલામાં ત્રણ પાકિસ્તાની જવાનોના મોત થયા હતા, જેના બદલા રૂપે પાકિસ્તાન સરકારે અફઘાન નાગરિકોને નિશાન બનાવ્યા હોવાનું જણાય છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના વધતા પ્રભાવ અને તેને અફઘાનિસ્તાન તરફથી મળતી કથિત મદદને લઈને પાકિસ્તાન અકળાયેલું છે. જોકે, આ સરહદી હિંસા હવે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.
સુરક્ષા અને સંપ્રભુતાનું ગંભીર સંકટ
બે દેશો વચ્ચેનો તણાવ જ્યારે નાગરિકોના જીવ લેવા પર ઉતરી આવે ત્યારે તે માનવતા માટે ચિંતાનો વિષય છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ એરસ્ટ્રાઈક અફઘાનિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન તો છે જ, પરંતુ તે પ્રાદેશિક શાંતિ માટે પણ મોટું જોખમ છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ હુમલાની તપાસ કરવી જોઈએ અને નાગરિકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. ભારતનું વલણ હંમેશા શાંતિ અને સુરક્ષાના પક્ષમાં રહ્યું છે અને અફઘાન નાગરિકોને આ કપરા સમયમાં મદદની જરૂર છે.