Loading Please Wait !!!
કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાન 6.0 થી 491 કરોડની આવક!

  • દેશભરમાં 8 લાખથી વધુ સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાયું!

  • અભિયાન હેઠળ 116 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરાઈ!

  • રેલવે મંત્રાલયે ભંગાર વેચીને મેળવી સૌથી વધુ આવક!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

કેન્દ્ર સરકારના વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 હેઠળ ભંગાર અને કચરાના નિકાલમાંથી કુલ રૂ. 491.28 કરોડની જંગી આવક થઈ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે સોમવારે આ માહિતી આપતા જણાવ્યું હતું કે 19 ઓક્ટોબર સુધીમાં દેશભરમાં 8,34,509 સ્થળોએ સફાઈ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે.

ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં આ વર્ષે આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે ભંગારના નિકાલથી રૂ. 304.72 કરોડની આવક થઈ હતી, જ્યારે આ વર્ષે તે વધીને રૂ. 491.28 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 116 લાખ ચોરસ ફૂટ જગ્યા પણ ખાલી કરાવવામાં આવી છે, જેનો ભવિષ્યમાં ઉત્પાદક ઉપયોગ કરી શકાશે.

કાર્મિક મંત્રાલયના અહેવાલ મુજબ, એકલા રેલવે મંત્રાલયે જ ભંગારના નિકાલમાંથી સૌથી વધુ રૂ. 425.06 કરોડની આવક મેળવી છે. જ્યારે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા દેશભરમાં 4,15,353 સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરીને ઉત્કૃષ્ટ યોગદાન આપવામાં આવ્યું છે.

ગત 2 ઓક્ટોબરથી ગાંધી જયંતિ નિમિત્તે શરૂ થયેલું આ વિશેષ અભિયાન આગામી 31 ઓક્ટોબરે સંપન્ન થશે. આ અભિયાનમાં જૂની ફાઇલો અને ઇલેક્ટ્રોનિક કચરાના નિકાલ ઉપરાંત પડતર અરજીઓ અને જાહેર ફરિયાદોનો નિકાલ, કચેરીઓની જગ્યાનો વધુ સારો ઉપયોગ તથા ઈ-વેસ્ટના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

મંત્રી જિતેન્દ્ર સિંહે તમામ મંત્રાલયો અને વિભાગોને આ અભિયાનમાં વધુ સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી છે. તેમણે કચરાના પુનઃઉપયોગ, રિસાયક્લિંગ અને પર્યાવરણને અનુકૂળ વ્યવસ્થાપન અંગે જનજાગૃતિ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

સ્વચ્છતા સાથે કમાણી: સરકારનું ‘વેસ્ટ ટુ વેલ્થ’ અભિયાન બની રહ્યું છે સફળ

કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતું વિશેષ સ્વચ્છતા અભિયાન હવે માત્ર સફાઈ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તે ‘વેસ્ટ ટુ વેલ્થ’ (કચરામાંથી કમાણી) નું ઉત્તમ ઉદાહરણ બનીને ઉભર્યું છે. સરકારી કચેરીઓમાં વર્ષોથી પડી રહેલો નકામો ભંગાર અને જૂની ફાઇલોનો નિકાલ કરવાથી જ્યાં એક તરફ લાખો ચોરસ ફૂટ કિંમતી જગ્યા ખાલી થઈ રહી છે, તો બીજી તરફ સરકારી તિજોરીમાં કરોડો રૂપિયાની આવક પણ થઈ રહી છે. પ્રશાસનિક સ્તરે પારદર્શિતા અને સક્રિયતા લાવવા માટે આ પ્રકારના અભિયાનો અત્યંત આવશ્યક છે.