NHAI દ્વારા રાજમાર્ગ યાત્રા એપ પર ફીડબેક સુવિધા શરૂ!
-
ટોલ પ્લાઝાની સેવાઓ સુધારવા માટે ગ્રાહકો આપશે રેટિંગ!
-
વાહનચાલકો હવે ટોલ પ્લાઝા પરના અનુભવ કરી શકશે શેર!
-
નેશનલ હાઈવે ઓથોરીટીની મુસાફરોની સુવિધા માટે નવી પહેલ!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતીય નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) દ્વારા રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ પ્લાઝાઓની સેવાઓમાં સુધારા કરવા અને યાત્રીઓનો અનુભવ બહેતર બનાવવા માટે 'રાજમાર્ગ યાત્રા' મોબાઈલ એપ પર નવી ટોલ પ્લાઝા ફીડબેક સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા દ્વારા નાગરિકો પોતાના નિર્ધારિત પ્રમાણમાં અનુભવનું રેટિંગ આપી શકશે.
NHAI એ સોમવારે જણાવ્યું હતું કે આ સુવિધાના માધ્યમથી રાષ્ટ્રીય રાજમાર્ગના યુઝર્સ ટોલ પ્લાઝા પરના પોતાના અનુભવો શેર કરી શકશે. આનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની ભાગીદારી દ્વારા યાત્રાઓને વધુ સુરક્ષિત, સુચારુ અને સુવિધાજનક બનાવવાના પ્રયાસોને સમર્થન આપવાનો છે.
નિયમ મુજબ, રાજમાર્ગ પર ટોલ પ્લાઝા પાર કર્યા બાદ વાહનચાલકો અને પાસધારકોને 'રાજમાર્ગ યાત્રા' એપ પર સૂચના મળશે, જેમાં તેમને પોતાનો અનુભવ શેર કરવા માટે આમંત્રિત કરવામાં આવશે જેથી સેવાઓની ગુણવત્તા ચકાસી શકાય.
ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ પહેલથી ટોલ પ્લાઝા સેવાઓ સાથે સંકળાયેલી સમસ્યાઓની સમયસર ઓળખ કરવામાં અને જે ક્ષેત્રોમાં સુધારાની આવશ્યકતા છે તેના પર દેખરેખ રાખવામાં મોટી મદદ મળશે.
NHAI એ તમામ રાષ્ટ્રીય રાજમાર્ગ યુઝર્સને આ નવી સુવિધાનો સક્રિયપણે ઉપયોગ કરવા અને પોતાના મૂલ્યવાન અનુભવો શેર કરવા અપીલ કરી છે, જેથી મુસાફરોની ચિંતાઓનું નિવારણ લાવી શકાય અને સેવા વિતરણમાં સુધારો થઈ શકે.
ટોલ પ્લાઝા પર પારદર્શિતા અને સુધારા તરફ NHAI નું વધુ એક પગલું
રાષ્ટ્રીય રાજમાર્ગો પર મુસાફરી કરતા વાહનચાલકો માટે ટોલ પ્લાઝા પરનો અનુભવ ઘણીવાર મિશ્ર રહેતો હોય છે. લાંબી કતારો, સેવાની ગુણવત્તા અને સ્ટાફના વર્તન અંગે અવારનવાર ફરિયાદો ઉઠતી રહે છે. NHAI દ્વારા 'રાજમાર્ગ યાત્રા' એપ પર શરૂ કરવામાં આવેલી આ ફીડબેક સુવિધા સીધી જ જનતાને સત્તા આપે છે કે તેઓ પોતાના પ્રતિસાદ દ્વારા સિસ્ટમમાં સુધારો લાવવામાં ભાગીદાર બને. જો આ ફીડબેક પર ગંભીરતાથી અમલ થાય, તો હાઇવે મુસાફરી વધુ સુગમ બની શકશે.