Loading Please Wait !!!
અભિનેતા અભય શુક્લાનું પાર્ટી પ્લોટના ગરબા સામે નિવેદન! ,ગુજરાતમાં પણ ભૂંડા ગરબા અને અશ્લીલતા પર રોક જરૂરી!

  • પાકિસ્તાનથી આવેલા ફોને સનાતની સંસ્કૃતિ પર ઊભા કર્યા સવાલો!

  • યુપીની જેમ ગુજરાતમાં પણ કડક નિયમો લાગુ કરવા માંગ!

  • પાર્ટી પ્લોટ છોડીને યુવાનો શેરી ગરબી તરફ પાછા વળે!

 સિટી ન્યુઝ @ જૂનાગઢ 

પ્રખ્યાત ટીવી સિરિયલ 'સીઆઈડી' ફેમ અભિનેતા અભય શુક્લાએ જૂનાગઢમાં 'શક્તિ સ્પંદન 2026' પ્રાચીન ગરબી મહોત્સવની મુલાકાત દરમિયાન પાર્ટી પ્લોટની વ્યાપારિક ગરબા સંસ્કૃતિ સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે પાર્ટી પ્લોટમાં માતાજીના નામે વેપાર ચાલી રહ્યો છે અને યુવાનો ગરબાના નામે ભૂંડા દેખાવો કરી રહ્યા છે.

સમસ્ત વણિક યુવા સંગઠન દ્વારા આયોજિત પ્રાચીન ગરબીના મંચ પરથી બોલતા અભય શુક્લાએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે જે રીતે યુપીમાં ડીજે સિસ્ટમ અને અશ્લીલતા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તે જ રીતે ગુજરાત સરકાર અને પ્રશાસને પણ પાર્ટી પ્લોટોના અસંયમિત ગરબા, ગંદા ડ્રેસિંગ અને મોટેથી વાગતા ડીજે પર કડક રોક લગાવવી જોઈએ.

સનાતનીઓને ટાંકીને એક ખુલાસો કરતા તેમણે જણાવ્યું કે બે દિવસ પહેલાં તેમને પાકિસ્તાનથી આદિલ નામના યુવકનો ફોન આવ્યો હતો, जिसने પૂછ્યું કે હિન્દુઓના પવિત્ર તહેવારમાં આટલી બધી મર્યાદાહીન બાબતો કેમ ચાલી રહી છે? આ ફોન સાંભળીને તેઓ નિઃશબ્દ થઈ ગયા હતા અને તેમને ભારે દુઃખ થયું હતું કે વિધર્મીઓ પણ હવે આપણી સંસ્કૃતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે.

અભય શુક્લાએ યુવાનોને અપીલ કરી હતી કે તેઓ મોંઘા પાર્ટી પ્લોટોનો બહિષ્કાર કરે અને પોતાની સોસાયટી તથા મહોલ્લાઓમાં શેરી ગરબી તરફ પાછા વળે, જેથી આપણી સાચી સનાતન સંસ્કૃતિ જીવંત રહી શકે.

આ સાથે તેમણે માતાઓ અને બહેનોને પણ ખાસ અનુરોધ કર્યો હતો કે તેઓ પોતાના બાળકો કેવા પ્રકારના વસ્ત્રો પહેરીને ગરબે રમે છે તેની પૂરતી કાળજી રાખે, જેથી કોઈ અન્ય સમાજ કે ધર્મનાં લોકોને આપણી સંસ્કૃતિ સામે આંગળી ચીંધવાની તક ન મળે.

ગરબાની બદલાતી સંસ્કૃતિ અને આપણી જવાબદારી: શ્રદ્ધા કે દેખાડો?

નવરાત્રિ એ માતાજીની આરાધના, ભક્તિ અને પવિત્રતાનું પર્વ છે. પરંતુ આજના આધુનિક યુગમાં પાર્ટી પ્લોટ અને કલબ કલ્ચરે આ પ્રાચીન પર્વના સ્વરૂપને વેપારીકરણ અને અશ્લીલતા તરફ ધકેલી દીધું છે. અભિનેતા અભય શુક્લા દ્વારા ઉઠાવવામાં આવેલો આ સવાલ માત્ર એક વ્યક્તિનો રોષ નથી, પરંતુ દરેક સનાતનીની ચિંતિત લાગણી છે. જો સમયસર આ બાબતે નહીં વિચારીએ, તો આપણી સંસ્કારી પરંપરાઓ લુપ્ત થઈ જશે અને પર્વ માત્ર દેખાડા પૂરતા સીમિત રહી જશે.