કલાયમેટ ચેન્જથી ઘઉંની પૌષ્ટિકતા અને પ્રોટીન સંરચના બદલાશે!
-
વધતા કાર્બન ડાયોકસાઈડથી ઘઉંની રોટી પચાવવી બનશે મુશ્કેલ!
-
જર્મનીના રિસોર્ટમાં ભવિષ્યની ગંભીર આરોગ્ય સમસ્યાનો ખુલાસો!
-
કાર્બન ડાયોકસાઈડના ઊંચા સ્તરથી ઘઉંની ગુણવત્તા પર અસર!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ક્લાયમેટ ચેન્જ અને સતત વધતી ગરમી માત્ર પરસેવો જ નથી વળાવતી, પરંતુ કૃષિપાક તથા તેની ગુણવત્તા પર પણ મોટી અસર કરી રહી છે. તાજેતરના એક સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના પ્રદેશોમાં ભોજનનો મુખ્ય ભાગ ગણાતા ઘઉંના લોટમાંથી બનતી રોટી કે અન્ય ખાદ્યચીજો ભવિષ્યમાં પચાવવી મુશ્કેલ બની જશે.
જર્મનીના મ્યુનિચ સ્થિત ટેક્નિકલ યુનિવર્સિટીના લાઈબનીઝ ઈન્સ્ટીટ્યુટ ફોર ફૂડ સિસ્ટમ બાયોલોજીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલા આ સંશોધનનો રિપોર્ટ 'ફૂડ કેમિસ્ટ્રી' જર્નલમાં પ્રકાશીત થયો છે. આ રિપોર્ટ મુજબ વાતાવરણમાં સતત વધી રહેલા કાર્બન ડાયોકસાઈડના સ્તરથી ઘઉંની પ્રોટીન સંરચનામાં ફેરફાર થવાની ભીતિ છે.
કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધવાથી ઘઉંની પૌષ્ટિક તથા પ્રોટીન સંરચનામાં બદલાવ થાય છે, જેના પરિણામે ઘઉંથી બનતી ખાદ્યચીજો પેટમાં પચવામાં મુશ્કેલ બને છે. આ સમસ્યા ભવિષ્યમાં માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ગંભીર સાબિત થઈ શકે છે તેમ સંશોધકોએ જણાવ્યું છે.
સંશોધકોએ શિયાળામાં ઉત્પાદિત ઘઉંની 10 જુદી જુદી જાતો પર અલગ-અલગ વાતાવરણમાં પરીક્ષણ કર્યું હતું. જેમાં કેટલાક વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ 546 ppm રાખવામાં આવ્યું હતું. ઊંચું CO2 પ્રમાણ ધરાવતા વાતાવરણમાં ઉગાડાયેલા ઘઉંમાં એમાઈલેજની માત્રા વધવા સહિતના અનેક નુકસાનકારક બદલાવ જોવા મળ્યા હતા.
આ ભવિષ્યના જોખમને ધ્યાને રાખીને સંશોધકોએ કાર્બન ડાયોકસાઈડના ઊંચા સ્તરનો મુકાબલો કરી શકે તેવી ઘઉંની રોગપ્રતિકારક અને ગુણવત્તાસભર નવી જાતો વિકસાવવા પર ભાર મૂક્યો છે, જેથી ખાદ્ય સુરક્ષા અને સ્વાસ્થ્ય સામે ઊભું થતું સંકટ ટાળી શકાય.
બદલાતું પર્યાવરણ અને આપણી થાળી: ઘઉંની ગુણવત્તા સામે નવું સંકટ
આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ માત્ર હવામાન પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ તે સીધા આપણા ખોરાક અને સ્વાસ્થ્ય પર પ્રહાર કરી રહ્યા છે. ઘઉં જેવા પાયાના અનાજની પોષક ક્ષમતા પર કાર્બન ડાયોકસાઈડના વધતા સ્તરની વિપરીત અસર થાય તે એક ગંભીર ચિંતાનો વિષય છે. જો સમયસર વૈજ્ઞાનિક પદ્ધતિથી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આપણો દૈનિક ખોરાક જ સ્વાસ્થ્ય માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
44 વર્ષમાં કાર્બન ડાયોકસાઈડનુ સ્તર 25 ટકા વધી ગયુ
રિપોર્ટમાં એમ કહેવાયુ છે કે વૈશ્વિક સ્તરે 1980માં કાર્બન ડાયોકસાઈડનું સ્તર 340 પીપીએમ (પાર્ટસ પ્રતિ મિલિયન) હતુ તે 2024માં 425 પીપીએમ થયુ હતું. અર્થાત 44 વર્ષના ગાળામાં તેમાં 25 ટકાનો વધારો થયો છે. નવા અનુમાન મુજબ 2050 સુધીમાં આ પ્રમાણ 600 પીપીએમ સુધી પહોંચી શકે છે તેનો સીધો અર્થ એવો થાય છે કે ભવિષ્યમાં ઘઉં કાર્બન ડાયોકસાઈડનું ઉંચુ પ્રમાણ ધરાવતા વાતાવરણમાં ઉગશે.