Loading Please Wait !!!
બુલેટ ટ્રેન કરતાં ૨૭ ગણી ઝડપે ચંદ્ર સાથે અથડાશે રોકેટનો સેકન્ડ સ્ટેજ!

 

  • ભારતીય સમયાનુસાર બુધવારે બપોરે અંદાજે ૧૨.૦૫ વાગ્યે આ ઘટના ઘટશે.

  • રોકેટનો આ ટુકડો શાળાની બસ જેટલું મોટું કદ ધરાવે છે.

  • ૮,૬૯૦ km/h ની ભયાનક ગતિએ ચંદ્રની સપાટી સાથે ત્રાટકશે.

સિટી ન્યુઝ @ વાશિંગ્ટન

વિશ્વની સૌથી શક્તિશાળી રોકેટ નિર્માતા કંપની સ્પેસએક્સનું ચાર ટન વજન ધરાવતું એક રોકેટ ક્ષેત્રીય અનિયંત્રિતતાને કારણે બુધવારે ચંદ્રની સપાટી પર ધડાકાભેર ત્રાટકવા જઈ રહ્યું છે. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી અંતરિક્ષમાં કોઈ જ નિયંત્રણ વગર ભ્રમણ કરી રહેલો આ રોકેટનો ટુકડો અત્યંત તીવ્ર ઝડપે ચંદ્ર સાથે અથડાશે. જોકે આ ઘટના અકસ્માતે ઘટી રહી હોવા છતાં વિજ્ઞાનીઓ માટે આ માનવસર્જિત દુર્ઘટના સંશોધનનો એક મોટો અવસર બની રહી છે અને પૃથ્વી પર આનાથી કોઈ જ ખતરો સર્જાશે નહીં.

ચંદ્ર સાથે અથડાવા જઈ રહેલો આ હિસ્સો સ્પેસએક્સના ફાલ્કન ૯ રોકેટનો સેકન્ડ સ્ટેજ છે, જેનું કદ એક શાળાની બસ જેટલું મોટું છે. આ રોકેટે જાન્યુઆરી ૨૦૨૫માં ફાયરફ્લાય એરોસ્પેસના લૂનર લેન્ડરને ચંદ્ર તરફ રવાના કર્યું હતું. ભારતીય સમયાનુસાર બુધવારે બપોરે અંદાજે ૧૨.૦૫ વાગ્યે આ રોકેટનો ટુકડો ૮,૬૯૦ km/h ની ભયાનક ગતિએ ચંદ્રની સપાટી સાથે ત્રાટકશે, જે સામાન્ય બુલેટ ટ્રેનની સ્પીડ કરતાં લગભગ ૨૭ ગણી વધારે છે.

નાસાના જણાવ્યા અનુસાર આ ટક્કરના પરિણામે ચંદ્રની જમીન પર અંદાજે ૬૦ ફીટ પહોળો અને ૧૨ ફીટ ઊંડો એક નવો ખાડો બનવાની પૂરી શક્યતા છે. આ રોકેટ હિસ્સો ચંદ્રની પશ્ચિમી ધાર પર આવેલા આઈન્સ્ટાઈન ક્રેટર વિસ્તારમાં ત્રાટકશે. મિશન માટે વધુ થ્રસ્ટની જરૂરિયાતના કારણે રોકેટનો બીજો તબક્કો પૃથ્વી પર પાછો ફરવાને બદલે અંતરિક્ષના ઊંડાણમાં રહી ગયો હતો અને બળતણ ખતમ થવાથી તે અનિયંત્રિત બની ગયો હતો.