રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલું અનોખું અચલેશ્વર મહાદેવ મંદિર!
-
સિરોહી જિલ્લાના અચલગઢની અરવલ્લીની ટેકરીઓ વચ્ચે મંદિર આવેલું છે.
-
મંદિરમાં પંચધાતુમાંથી બનેલી ૪ ટન વજનની નંદી મહારાજની વિશાળ પ્રતિમા છે.
-
માનવામાં આવે છે કે અંગૂઠાનું નિશાન ગાયબ થતાં પર્વત અસ્થિર થઈ જશે.
સિટી ન્યુઝ @ માઉન્ટ આબુ
માઉન્ટ આબુ, સામાન્ય રીતે દરેક શિવ મંદિરમાં લોકો શિવલિંગ અથવા ભોલેનાથની મૂર્તિની પૂજા કરતા હોય છે, પરંતુ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં એક એવું અનોખું મંદિર આવેલું છે જ્યાં શિવજીના કોઈ આકારની નહીં પરંતુ તેમના જમણા પગના અંગૂઠાની પૂજા થાય છે. સુંદર અરવલ્લીની ટેકરીઓ વચ્ચે માઉન્ટ આબુથી લગભગ ૧૧ કિલોમીટર દૂર અચલગઢમાં આવેલા આ પાવન સ્થળને અચલેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ અનોખું ધામ પોતાની ખાસ ધાર્મિક માન્યતાઓ અને ચમત્કારી ઇતિહાસ માટે સમગ્ર દેશમાં જાણીતું છે.
મંદિરમાં પ્રવેશતાની સાથે જ પંચધાતુમાંથી બનેલી ૪ ટન વજનની નંદી મહારાજની વિશાળ પ્રતિમા જોવા મળે છે. ગર્ભગૃહમાં અન્ય મંદિરોની જેમ શિવલિંગ જોવા મળતું નથી, પરંતુ ત્યાં લગભગ ૮ ફૂટ ઊંડો એક પ્રાકૃતિક પાતાળ કુંડ છે. આ કુંડની ઉપર આવેલા ખડક પર મહાદેવના પગના અંગૂઠાનું નિશાન બનેલું છે, જ્યાં ભક્તો જળ, દૂધ અને બિલીપત્ર ચઢાવીને પૂજા કરે છે. સ્થાનિક આસ્થા મુજબ ભગવાન શિવે પોતાના જમણા પગના અંગૂઠાથી આખા માઉન્ટ આબુ પર્વતને સંભાળી રાખ્યો છે, અને આ જ કારણ છે કે પર્વત અચલ એટલે કે સ્થિર રહ્યો છે.
આ મંદિરનો ઇતિહાસ મહર્ષિ વસિષ્ઠ, કામધેનુ ગાય અને અર્બુદ નાગની પ્રાચીન પૌરાણિક કથાઓ સાથે જોડાયેલો છે. માનવામાં આવે છે કે ખાડાને પૂરતી વખતે જ્યારે પર્વત હલવા લાગ્યો ત્યારે શિવે અંગૂઠો મૂકીને તેને સ્થિર કર્યો હતો. માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ અહીં પોતાની મનોકામના લઈને દર્શનાર્થે આવે છે.