Loading Please Wait !!!
3 સપ્ટેમ્બરે ઉજવાશે મોટી શીતળા સાતમ: ટાઢા ભોજન અને પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ

 

  • શ્રાવણ વદ સાતમ તારીખ 3 સપ્ટેમ્બર 2026, ગુરૂવારના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવાશે

  • સપ્તમી તિથિ 3 સપ્ટેમ્બરે સવારે 06:12 વાગ્યાથી શરૂ થઈ 4 સપ્ટેમ્બર સવારે 04:25 સુધી રહેશે

  • રાંધણ છઠ્ઠે તૈયાર કરેલું ટાઢું ભોજન આરોગીને પરિવારો શીતળા માતાની પૂજા-અર્ચના કરશે

શ્રાવણ મહિનાના તહેવારોની હારમાળામાં શ્રાવણ વદ સાતમના દિવસે ઉજવાતી 'મોટી શીતળા સાતમ'નું ગુજરાતમાં વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. શ્રાવણ માસમાં સામાન્ય રીતે બે સાતમ આવે છે, જેમાં સુદ પક્ષની નાની સાતમ બાદ વદ પક્ષમાં આવતી આ સાતમને 'મોટી શીતળા સાતમ' તરીકે શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે. આ વર્ષે 2026 માં મોટી શીતળા સાતમનો પાવન પર્વ 3 સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ ઉજવાશે.

શીતળા સાતમનું વ્રત અને મહત્વ - શ્રાવણ વદમાં બે શીતળા સાતમ આવે છે પહેલી સુદ સાતમ 19 ઓગસ્ટનાં રોજ બુધવારે હતી  અને બીજી મોટી સાતમ 3 સપ્ટેમ્બરના રોજ ગુરૂવારે આવશે 
 
 

શુભ મુહૂર્ત પૂજાનો સમય (સપ્તમી તિથિ): 

 
શીતળા સાતમ તારીખ 3 સપ્ટેમ્બર 2026 
 
સપ્તમી તિથિ શરૂ  3 સપ્ટેમ્બર  ના રોજ સવારે 06:12 વાગ્યાથી 4 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 04:25 વાગ્યા સુધી.
બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:14 થી 05:05 સુધી.
 

શીતળા સાતમની પૂજા અને શુભ મુહૂર્ત

 
શીતળા સાતમ પૂજા મુહૂર્ત: સવારે 06:22 થી સાંજે 06:55 વાગ્યા સુધી
બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:51 થી 05:37 સુધી
પ્રાતઃ સંધ્યા: સવારે 05:14 થી 06:22 સુધી
અભિજિત મુહૂર્ત: બપોરે 12:14 થી 01:04 સુધી
વિજય મુહૂર્ત: બપોરે 02:44 થી 03:35 સુધી
અમૃત કાળ: રાત્રે 10:12 થી 11:43 સુધી
રવિ યોગ: સવારે 06:22 થી રાત્રે 12:29 સુધી (4 સપ્ટેમ્બર)
 

શીતળા સાતમ વ્રત પૂજા વિધિ અને નિયમો

 
સ્નાન અને તૈયારી: સાતમના દિવસે પ્રાતઃકાળમાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.
 
ચૂલાની પૂજા: સગડી કે ગેસના ચૂલાને લીપી-ગૂંપીને તેમાં આંબાનો પાણ અથવા આંબો રોપવો.
 
માતાની પૂજા: શીતળા માતાની છબી કે પ્રતીક સમક્ષ દીપ, ધૂપ, કુంકુમ, અક્ષત અને હળદર ચઢાવી પૂજા કરવી. માતાને લીમડાનાં પાન પ્રિય હોવાથી તેનો વિશેષ ઉપયોગ કરવો.
 
રાંધણ છઠ્ઠનો ભોગ: અગાઉના દિવસે (રાંધણ છઠ્ઠ) રાંધેલા ઠંડા પદાર્થો (જેવા કે રોટલી, શાક, લાडू, મુંડા વગેરે) માતાને ધરીને નૈવેદ્ય ધરવું.
 
ખોરાક: આ દિવસે ઘરમાં ચૂલો સળગાવવો નહીં. આખો દિવસ માત્ર ટાઢું (ઠંડુ) ભોજન જ આરોગવું.
 
વ્રતકથા: પૂજા પૂર્ણ કર્યા પછી શીતળા માતાની વ્રતકથા વાંચવી અથવા સાંભળવી.
 
ધાર્મિક માન્યતા મુજબ સાચા મુહૂર્તમાં માતાની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. 3 સપ્ટેમ્બરના રોજ પૂજા માટેનો સમયગાળો 12 કલાક 33 મિનિટનો રહેશે.
 
સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપીગૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે.
 
આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહિ, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માઁની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે.
 
શીતળા સાતમના દિવસે ગુજરાતમાં પરિવારો વિશિષ્ટ ધાર્મિક પરંપરાઓનું પાલન કરે છે. આ પવિત્ર દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી અને તાજું ભોજન બનાવવાની સખત મનાઈ હોય છે. પરિવારો શીતળા માતાની પૂજા કર્યા બાદ અગાઉથી તૈયાર કરેલું ઠંડું ભોજન (જેને 'ટાઢું' કહેવાય છે) આરોગે છે. આ ભોજન એક દિવસ અગાઉ 'રાંધણ છઠ' ના દિવસે તૈયાર કરી લેવામાં આવે છે.
 
શીતળા સાતમને કેટલાક વિસ્તારોમાં 'સીતળા સાતમ' પણ કહેવામાં આવે છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હોળી પછી ઉજવાતા 'બાસોડા' અને 'શીતળા અષ્ટમી' ની પરંપરા પણ ગુજરાતની શીતળા સાતમ સાથે ઘણી સમાનતા ધરાવે છે.
 
ચૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે. આંબાના રોપનું રહસ્ય એ છે કે, સમગ્ર કુટુંબવર્ગને આમ્રવૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે.
 
શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાય રહે છે.
 
આડકતરી રીતે જોઇએ તો સૂપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે. એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે. આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે. એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે.
 
જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના-ઉપાસના કરે છે. આ સાધન-પૂજા અને કર્મ-પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માઁ જગદંબાની પૂજા કરે છે. શીતળા માતાની ક્ષમા, સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે. વ્રતધારી સ્ત્રીઓ માઁ શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઇચ્છે છે. શીતળા 
 
સપ્તમી વ્રત કરનાર વ્રતીએ આદ્યશક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઇએ. शीतलायै नमः એ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી. દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાતેય ગોયણીઓને 
 
પ્રેમપૂર્વક જમાડવી. શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી. આ વ્રતને "વૈધવ્યનાશન" વ્રત પણ કહેવાય છે.


શીતળા સાતમની વ્રત કથા 
 
દેવદેવીઓની પૂજા ભારતવર્ષમાં પરાપૂર્વથી ચાલી આવે છે. શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પ્રાતઃકાળે ઊઠી નાહી-ધોઈ પવિત્ર થઈ, માઁ જગદંબાની પૂજા કરી ટાઢું ખાય છે.
 
કથા એવી છે કે રાંધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા.રાત્રે સૂમસામ શાંતિમા શીતળાદેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયાં, તેથી શાપ આપ્યો: "જેવી મને બાળી, એવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો..."
 
રૂપાએ સવારે ઊઠીને જોયું તો ચૂલો ભડભડ બળી રહ્યો હતો. છોકરો પણ દાઝી ગયેલો હતો અને પથારીમાં મરેલો પડયો હતો ! દેરાણી રૂપા સમજી ગઈ કે જરૂર મને શીતળા માતાનો શાપ લાગ્યો છે. તે તો મૃત 
બાળકને લઈ શીતળા માતા પાસે ગઈ.
 
રસ્તામાં નાનકડી વાવ આવી. આ વાવનું પાણી એવું હતું કે તે પીતાની સાથે જ માણસનું મૃત્યુ થતું. આ વાવને વાચા થઈ, "બહેન ! તું માઁ શીતળાને પૂછજે કે, મારાં એવાં તે કયા પાપ હશે કે, મારું પાણી પીતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે!"
 
"ભલે બહેન" એમ કહી રૂપા તો આગળ ચાલી ત્યાં એક બળદ માર્ગમાં મળ્યો. એની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો. ડેરો એવો હતો કે હાલતાં ચાલતાં પગ સાથે અથડાયા કરે અને પગને લોહીલુહાણ કરી નાખે.
બળદને વાચા થઈ, તેણે કહ્યું, "બહેન ! શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતાં આવજો."
 
આગળ ચાલતાં ચાલતાં એક ઘેઘૂર વૃક્ષ નીચે એક ડોશીમાઁ માથુ ખંજવાળતાં બોલ્યાં, "બહેન ક્યાં ચાલ્યા? શીતળા માતાને મળવા...?"
"હા, માઁ" એમ કહીને રૂપાએ ડોશીનું માથું જોઈ આપ્યું. ડોશીમાઁએ આશીર્વાદ આપ્યા કે, મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો... અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતાની સાથે જ સાજો થઈ ગયો. માઁ-દીકરો 
 
ભેટી પડ્યા. ડોશીમાઁએ શીતળા માતાનું રૂપ લઈ દર્શન દીધા પછી પેલી વાવ અને બળદના દુઃખ પણ દૂર કર્યા.
 
હે શીતળા માતા જેવા તમે રૂપાના દીકરાને, વાવ અને બળદને ઠાર્યા એવા સૌને ઠારજો.. જય શીતળા માતા.