સૌરાષ્ટ્રમાં પહેલી વખત રોબોટે ગરબા રમી આશ્ચર્ય સર્જ્યું.
-
રાજકોટના ક્લબ યુવી મહોત્સવમાં રોબોટનું આકર્ષણ વધ્યું.
-
પૃથ્વી નામના રોબોટે ખેલૈયાઓ સાથે ગરબા લીધા.
-
સંસ્કૃતિ અને ટેક્નોલોજીના સમન્વયથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ.
સિટી ન્યુઝ @ રાજકોટ
સૌરાષ્ટ્રમાં પહેલી વખત નવરાત્રિ મહોત્સવમાં રોબોટ દ્વારા ગરબા રમવાની એક અનોખી અને આકર્ષક ઘટના સામે આવી છે. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ પર આવેલા કડવા પાટીદાર સમાજના ક્લબ UV નવરાત્રિ મહોત્સવમાં 'પૃથ્વી' નામના રોબોટે ખેલૈયાઓની સાથે ગરબે ઘૂમીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
મંગળવારે ત્રીજા નોરતાની રાત્રે આ રોબોટે પ્રથમ સ્ટેજ પર ગાયક કલાકારો સાથે અને બાદમાં મેદાનમાં ખેલૈયાઓ સાથે ગરબાના સ્ટેપ્સ લીધા હતા. માનવીની જેમ ચાલતા અને તાળી પાડતા આ રોબોટને જોઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ પોતાના મોબાઈલ કેમેરામાં આ પળોને કેદ કરી હતી.
ક્લબ યુવીના કમિટી મેમ્બર બિપીનભાઈ બેરાએ જણાવ્યું હતું કે સંસ્કૃતિના સુર સાથે ટેક્નોલોજીનો સમન્વય કરવાના હેતુથી આ અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્રીજા નોરતા બાદ ચોથા નોરતે એટલે કે બુધવારે રાત્રે પણ આ રોબોટ મેદાનમાં ખેલૈયાઓ સાથે ગરબા રમતો જોવા મળશે.
રાજકોટમાં રોબોટ સાથે ગરબાનો અનોખો નજારો
રાજકોટના કડવા પાટીદાર સમાજના ક્લબ UV નવરાત્રિ મહોત્સવમાં 'પૃથ્વી' નામના રોબોટે ખેલૈયાઓ સાથે ગરબા રમીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સંસ્કૃતિ અને ટેક્નોલોજીના આ અદભુત સમન્વયને કારણે ત્રીજા અને ચોથા નોરતે ગરબાના મેદાનમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.