Loading Please Wait !!!
રાજકોટની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટ ખુલ્લી મુકાઈ.

 

  • દિવાળી પૂર્વે જૂની જગ્યા મળતા વેપારીઓ ખુશ.

  • મેયર અને પદાધિકારીઓએ બાઈક પર પહોંચી ચાવી સોંપી.

  • બે તબક્કામાં માર્કેટનું આધુનિક રિનોવેશન કરવામાં આવશે.

સિટી ન્યુઝ @ રાજકોટ

રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલી ઐતિહાસિક અને જૂની લાખાજીરાજ શાક માર્કેટ આખરે ફરીથી ખુલ્લી મુકવામાં આવી છે. જેના કારણે વેપારીઓની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો અંત આવ્યો છે અને વેપારીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવાર પહેલા પોતાની જૂની જગ્યા પરત મળવાથી ધંધા-રોજગારમાં સારો ફાયદો થશે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

આજરોજ મેયર ડૉ. નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા અને માર્કેટ સમિતિના ચેરમેન મોહિતસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ બાઈક પર બેસીને લાખાજીરાજ માર્કેટ પહોંચ્યા હતા. વેપારીઓની રજૂઆત અનુસાર માર્કેટનું બે તબક્કામાં રિનોવેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, અને માર્કેટનો મહત્વનો ભાગ ખુલ્લો કરીને તેની ચાવી વેપારીઓને સોંપવામાં આવી છે. આ પ્રસંગે વેપારીઓએ પદાધિકારીઓનું ફૂલહાર પહેરાવી અને પેંડા ખવડાવીને ભવ્ય સ્વાગત અને આભાર વ્યક્ત કર્યો હતો.

છેલ્લા ૫૦ વર્ષથી અહીં વેપાર કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે અગાઉ તંત્ર દ્વારા આપેલી વૈકલ્પિક જગ્યાએ પણ સારો સહકાર મળતો હતો, પરંતુ પોતાની જૂની હેરિટેજ જગ્યા પર પરત ફરવાનો આનંદ જ અલગ છે. પદાધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં સાઇડમાં પતરા લગાવીને પ્રથમ તબક્કાનું રિનોવેશન શરૂ કરવામાં આવશે, જેથી વેપારીઓના ધંધા પર કોઈ અસર ન પડે. આ નવી આધુનિક વ્યવસ્થાથી વધુ વેપારીઓને રોજગારી મળશે અને ગ્રાહકોને પણ ઉત્તમ અનુભવ થશે.