રણબીર કપૂરે પિત્તો ગુમાવ્યો: પાપારાઝીઓએ રસ્તો રોકતા અભિનેતા લાલઘૂમ
- દાદી કી શાદી'ના સ્ક્રીનિંગમાં સર્જાઈ તંગદિલી; આલિયા સાથે કારમાંથી ઉતરતા જ મીડિયાએ ઘેરી લીધા
- ઘડીભર વાતાવરણ ભારે ગરમાયું, બાદમાં શાંત પડીને પાપારાઝીઓને આપ્યા પોઝ
- સામાન્ય રીતે મૈત્રીપૂર્ણ રહેતા રણબીરના ગુસ્સાનું કારણ શું? સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ
બોલિવૂડના સુપરસ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મંગળવારે સાંજે મુંબઈમાં 'દાદી કી શાદી'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સર્જાયેલી અફરાતફરીને કારણે રણબીર કપૂરે પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. સામાન્ય રીતે મીડિયા અને પાપારાઝીઓ સાથે અત્યંત નમ્રતાથી વર્તતો રણબીર અચાનક ગુસ્સે થઈ જતાં ત્યાં હાજર લોકોમાં સોપો પડી ગયો હતો અને ઘડીભર વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.
બન્યું એવું કે, રણબીર અને આલિયા કાર્યક્રમના સ્થળે પોતાની કારમાંથી ઉતર્યા કે તરત જ ત્યાં હાજર રહેલા મોટી સંખ્યામાં પાપારાઝીઓ અને મીડિયાકર્મીઓ તેમની એકદમ નજીક આવી ગયા હતા. તસવીરો અને વીડિયો લેવાની લ્હાયમાં મીડિયાકર્મીઓએ રણબીર અને આલિયાનો રસ્તો સંપૂર્ણપણે રોકી લીધો હતો. પોતાની પત્ની આલિયા સાથે અંદર જઈ રહેલા રણબીરને આ ધક્કામુક્કી અને રસ્તો રોકવાની હરકત પસંદ ન આવતા તેણે ગુસ્સામાં આવીને મીડિયાકર્મીઓને પાછળ હટવાનું કહ્યું હતું.
રણબીરનો આ આક્રમક અંદાજ જોઈને મીડિયાકર્મીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. રણબીરે આકરા શબ્દોમાં પાછળ હટવાની તાકીદ કરી હતી, જેના કારણે થોડી મિનિટો સુધી ત્યાં તંગદિલીભર્યું દ્રશ્ય જોવા મળ્યું હતું. જોકે, થોડીવાર પછી રણબીર પોતે જ શાંત પડ્યો હતો. તેણે અને આલિયાએ પરિસ્થિતિને સંભાળી લીધી હતી અને ત્યારબાદ સંયમ જાળવીને પાપારાઝીઓને શાંતિથી તસવીરો ખેંચવા અને વીડિયો શૂટ કરવાની મંજૂરી આપી હતી.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ ચાહકોમાં જાતજાતની ચર્ચાઓ શરૂ થઈ છે. ઘણા લોકો રણબીરના ગુસ્સાને યોગ્ય ઠેરવી રહ્યા છે, કારણ કે વારંવાર પાપારાઝીઓ સ્ટાર્સની પર્સનલ સ્પેસમાં ઘૂસી જતા હોય છે. રણબીર અને આલિયા હંમેશા મીડિયા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખતા હોય છે, ત્યારે આ વખતે રણબીર કેમ આટલો ઉશ્કેરાઈ ગયો તે પાછળ આલિયાની સુરક્ષા અંગેની તેની ચિંતા હોઈ શકે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
ઘટના બાદ રણબીર અને આલિયાએ ઈવેન્ટમાં ભાગ લીધો હતો અને હસી-ખુશીથી પોઝ આપ્યા હતા, પરંતુ આ કિસ્સાએ ફરી એકવાર સેલિબ્રિટીઝની પ્રાઈવસી અને મીડિયાની મર્યાદાઓ પર સવાલ ઉભા કર્યા છે. રણબીરે જે રીતે અંતે મામલો શાંત પાડ્યો તે તેના પરિપક્વ સ્વભાવનો પુરાવો આપે છે, પરંતુ આ અણબનાવ બોલિવૂડના ગલીયારાઓમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.