Loading Please Wait !!!
વડોદરા લૂંટ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો: રેકી કરી લૂંટનું માસ્ટરપ્લાન ઘડનાર જેલભેગો

  • 2 કરોડની વિદેશી કરન્સીની લૂંટમાં સામેલ સુરજ સલાટની ધરપકડ; અગાઉ 7 આરોપીઓ પકડાયા હતા
  • મરચાની ભૂકી નાખી વૃદ્ધ વેપારીને લૂંટવાનું કાવતરું; આરોપીએ મિત્રો અને મુખ્ય સૂત્રધારો વચ્ચે કરાવી હતી મીટિંગ
  • રાહુલ મારવાડીના કહેવાથી લૂંટમાં જોડાયો હતો આરોપી; 16 જાન્યુઆરીની રાત્રે આચરી હતી લૂંટ.

સિટી ન્યૂઝ @ વડોદરા:  વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મની એક્સચેન્જના વ્યવસાય સાથે સંકળાયેલા વૃદ્ધ વેપારીને નિશાન બનાવી 2 કરોડ રૂપિયાથી વધુની વિદેશી કરન્સીની લૂંટ ચલાવનારા નાસતા-ફરતા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. 16 જાન્યુઆરીના રોજ આચરેલી આ સનસનાટીભરી લૂંટમાં સંડોવાયેલ 21 વર્ષીય સુરજ મનોજભાઈ સલાટની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસ અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓને પકડવામાં સફળ રહી છે.

ઘટનાનો ટૂંકો અહેવાલ: ગત 16 જાન્યુઆરીના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે, કારેલીબાગ વિસ્તારમાં ગિફ્ટ શોપ ધરાવતા વૃદ્ધ વેપારી લીલારામ રેવાણી પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફર્યા હતા. વારસિયા રિંગ રોડ પર તેઓ પોતાની કારમાંથી ઉતર્યા કે તરત જ મોઢે કાળા કપડા બાંધેલા ચાર શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. લૂંટારાઓએ વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી છાતી પર ઘા મારીને કારની પાછળની સીટ પર પડેલી હેન્ડબેગ લૂંટી લીધી હતી. આ બેગમાં ભારતીય ચલણ સાથે 19 દેશોની વિદેશી કરન્સી હતી, જેની કિંમત ₹2 કરોડથી વધુ થતી હતી.

પકડાયેલ આરોપી સુરજ સલાટનો રોલ: ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે સુરજ સલાટ અગાઉ પકડાયેલ મુખ્ય આરોપી રાહુલ મારવાડીનો સંબંધી છે. રાહુલ મારવાડીએ સુરજને લૂંટ કરવાની વાત કરતા સુરજે તેના મિત્રો અતુલ, આકાશ, રવિ અને હિરેનની મુલાકાત રાહુલ અને વિનોદ મારવાડી સાથે કરાવી હતી. સુરજ સલાટે જ વેપારીની ઓફિસ અને ઘરની રેકી કરી હતી અને સમગ્ર લૂંટનું કાવતરું ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

પોલીસ કાર્યવાહી: લૂંટ બાદ સુરજ સલાટ ફરાર થઈ ગયો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે આરોપી વાઘોડિયા રોડ પર આવેલા વુડાના મકાનોમાં છુપાયો છે, જેના આધારે દરોડો પાડી તેને દબોચી લેવાયો હતો. અગાઉ પોલીસે આણંદ અને વડોદરાના 7 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમની પાસેથી વિવિધ દેશોની 7808 ચલણી નોટો રિકવર કરવામાં આવી હતી. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ સુરજ સલાટની વધુ પૂછપરછ કરી રહી છે જેથી આ કેસમાં અન્ય કોઈ સંડોવણી હોય તો તેનો પણ ખુલાસો થઈ શકે.