બાંગ્લાદેશી પત્ની અને પુત્રને મુક્ત કરાવવા હાઈકોર્ટમાં ધા: પતિની હેબિયસ કોર્પસ અરજી
- ગેરકાયદે ઘૂસણખોરી અને માનવતાવાદી પાસા વચ્ચે કાનૂની જંગ; હાલ માતા-પુત્ર સંરક્ષણ ગૃહમાં.
- ભરૂચમાં નોંધાયેલી FIR બાદ ખુલાસો; વિદેશી નાગરિક હોવાથી હિલચાલ પર પ્રતિબંધ.
- સંરક્ષણ ગૃહમાં કેદ પત્ની-બાળકને મળવાની મંજૂરી, પણ મુક્તિ માટે વેકેશન બાદ સુનાવણી
સિટી ન્યૂઝ @ અમદાવાદ : અમદાવાદમાં રહેતા એક ભારતીય હિન્દુ પતિએ પોતાની બાંગ્લાદેશી પત્ની અને માત્ર સાત મહિનાના પુત્રને મુક્ત કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ હેબિયસ કોર્પસ અરજી પરની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે જે વિગતો રજૂ કરી છે તેણે આ સમગ્ર મામલાને વધુ જટિલ બનાવી દીધો છે. હાલમાં માતા અને પુત્ર બંને સરકારના સંરક્ષણ ગૃહમાં છે અને તેમની મુક્તિનો મામલો કાયદાકીય ગૂંચવણમાં અટવાયો છે.
સરકારે હાઈકોર્ટમાં વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા રજૂ કરેલા જવાબમાં જણાવ્યું હતું કે, અરજદારની પત્ની બાંગ્લાદેશની નાગરિક છે. ભરૂચમાં નોંધાયેલી એક FIR ની તપાસમાં ખુલાસો થયો છે કે, તે એક આરોપી દ્વારા અન્ય મહિલાઓ સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ યુવતી તે આરોપીની ચુંગલમાંથી ભાગી નીકળવામાં સફળ રહી હતી અને ત્યારબાદ તેને અમદાવાદના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેએ લગ્ન કર્યા હતા અને તેમને સાત મહિનાનું સંતાન પણ છે.
સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, મહિલા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હોવાથી તેની હિલચાલ પર 'ફોરેનર્સ એક્ટ' અને 'ઈમીગ્રન્ટસ એક્ટ' હેઠળ કાયદેસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારના મતે, આ સ્થિતિમાં બંધારણના આર્ટિકલ 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) ના ભંગનો પ્રશ્ન જ ઊભો થતો નથી. બીજી તરફ, અરજદારના એડવોકેટે કોર્ટનું ધ્યાન 7 મહિનાના નિર્દોષ બાળકના માનવતાવાદી પાસા તરફ દોર્યું હતું અને સરકારના જવાબ સામે રજૂઆત કરવા સમય માંગ્યો હતો.
હાઈકોર્ટે આ કેસની ગંભીરતાને જોતા મામલાની વધુ સુનાવણી વેકેશન બાદ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યાં સુધી પત્ની અને બાળકની હિલચાલ પરનો પ્રતિબંધ યથાવત્ રહેશે. જોકે, કોર્ટે એક મોટી રાહત આપતા જણાવ્યું છે કે, પતિ અને પરિવારના અન્ય સભ્યો અગાઉની જેમ જ માતા અને પુત્રને સંરક્ષણ ગૃહમાં મળી શકશે. આ કિસ્સાએ રાષ્ટ્રીય સુરક્ષા, ગેરકાયદે ઘૂસણખોરી અને પારિવારિક ભાવનાઓ વચ્ચેના સંઘર્ષને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે.