સયાજી હોસ્પિટલમાં પોલીસનું કોમ્બિંગ, ત્યાં જ વીજળી ગુલ: અંધારામાં દર્દીઓ અટવાયા
- તબીબો પર હુમલા બાદ તંત્ર એક્શનમાં; DCP મંજીતા વણઝારાએ મોબાઈલની લાઈટથી કર્યું નિરીક્ષણ
- DCP અને સુપ્રિટેન્ડેન્ટ મેદાનમાં; કોમ્બિંગ સમયે જ લાઈટો જતી રહેતા ગેરવ્યવસ્થા સર્જાઈ
- સીસીટીવી અને સિક્યોરિટી ગાર્ડ્સનું બ્રીફિંગ કરાયું; ગરમી અને અંધારામાં દર્દીઓ હેરાન-પરેશાન.
સિટી ન્યૂઝ @ વડોદરા: વડોદરાની સયાજી (SSG) હોસ્પિટલમાં તાજેતરમાં તબીબો પર થયેલા હુમલાની ઘટનાને પગલે હોસ્પિટલ તંત્ર અને શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગયા છે. આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ હોસ્પિટલ પરિસરમાં પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, આશ્ચર્યજનક રીતે જ્યારે પોલીસ ઉચ્ચ અધિકારીઓ સુરક્ષાનું નિરીક્ષણ કરી રહ્યા હતા, તે જ સમયે હોસ્પિટલમાં વીજળી ગુલ થઈ જતા અંધારપટ છવાઈ ગયો હતો.
ડીસીપી ઝોન-2 મંજીતા વણઝારા અને સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરની આગેવાનીમાં આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. કોમ્બિંગ દરમિયાન અચાનક હોસ્પિટલના તાત્કાલિક (ઇમરજન્સી) વિભાગની લાઈટો બંધ થઈ ગઈ હતી. કાળઝાળ ગરમી અને અંધારામાં દર્દીઓ તેમજ તેમના સગાઓ ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. વીજળી જતી રહેતા પોલીસ અધિકારીઓએ હાર માન્યા વગર મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી હોસ્પિટલના વિવિધ વિભાગો અને સીસીટીવી કેમેરાની સ્થિતિનું નિરીક્ષણ ચાલુ રાખ્યું હતું.
ડીસીપી મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, આ ડ્રાઈવનો મુખ્ય હેતુ હોસ્પિટલના પરિસર, બિલ્ડિંગો અને તમામ નાના-મોટા વિભાગોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવાનો છે. તેમણે સિક્યોરિટી ગાર્ડ્સની ભૂમિકા અંગે બ્રીફિંગ આપ્યું હતું અને સીસીટીવી કેમેરા યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેની ખાતરી કરી હતી. પોલીસ વિભાગ, હોસ્પિટલ સિક્યોરિટી ઇન્ચાર્જ અને મેડિકલ સ્ટાફ વચ્ચે વધુ સારું સંકલન થાય તે માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે.
તબીબો અને દર્દીઓ વચ્ચે કોઈ ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાય તો પોલીસ અને સિક્યોરિટી ત્વરિત પગલાં ભરી શકે તે માટે એક ચોક્કસ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) બનાવવામાં આવી રહી છે. ડીસીપીએ ખાતરી આપી હતી કે સુરક્ષા વ્યવસ્થામાં જ્યાં પણ ખામીઓ જણાશે તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે અને જરૂર જણાય ત્યાં વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. નિરીક્ષણ દરમિયાન વીજળી જતી રહેવાની ઘટનાએ હોસ્પિટલના મેઈન્ટેનન્સ વિભાગની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે.