Loading Please Wait !!!
અમદાવાદમાં આંતરધર્મિય લગ્ન મુદ્દે હંગામો: ઘી કાંટા કોર્ટમાં VHP અને પોલીસનો જમાવડો

  • હાઈકોર્ટના આદેશ બાદ મેરેજ રજિસ્ટ્રેશન કરવા આવતા કપલનો વિરોધ; ચુસ્ત સુરક્ષા કવચ ગોઠવાયું
  • 'લવ જેહાદ' ના કાયદા અમલીકરણ મુદ્દે વીએચપીનો સરકાર સામે સવાલ; 100થી વધુ પોલીસકર્મી તૈનાત
  • મહેસાણાના લિવ-ઈન કપલની કાનૂની લડાઈમાં નવો વળાંક; વીએચપી કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શનથી તણાવ

સિટી ન્યૂઝ @ અમદાવાદ:  અમદાવાદની ઘી કાંટા મેટ્રો કોર્ટ પરિસરમાં આજે તે સમયે ભારે તણાવ સર્જાયો જ્યારે ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ એક આંતરધર્મિય કપલ લગ્ન રજિસ્ટ્રેશન કરવા પહોંચવાનું હતું. આ માહિતી મળતા જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કોર્ટ પર પહોંચી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બે ડિવિઝનની પોલીસ અને 100થી વધુ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર મામલો? મહેસાણા જિલ્લાના 22 વર્ષીય લઘુમતી યુવક અને 21 વર્ષીય હિન્દુ યુવતી લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં હતા. જે તે સમયે તેઓને અલગ કરી યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવી હતી. યુવકે આ બળજબરીપૂર્વકના વિયોગ વિરુદ્ધ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી. હાઈકોર્ટે યુવતીની ઈચ્છા જાણી અને તેની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી યુવકને ₹3 લાખની રકમ યુવતીના નામે ફિક્સ્ડ ડિપોઝિટ કરવા આદેશ આપ્યો હતો. આ રકમ જો ભવિષ્યમાં કપલ અલગ થાય તો યુવતીની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાની રહેશે.

વીએચપીનો વિરોધ અને સરકાર સામે સવાલ દરીયાપુર VHP ના પ્રખંડ મંત્રી હર્ષ શાહે આ મામલે ઉગ્ર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમને માહિતી મળી હતી કે રજિસ્ટ્રાર કચેરીમાં આજે આંતરધર્મિય લગ્ન થવાના છે. સરકાર લવ જેહાદ વિરુદ્ધ કાયદો હોવાનો દાવો કરે છે, પરંતુ શું આ કાયદો માત્ર કાગળ પર જ છે?" તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વીએચપી અને બજરંગ દળ છેલ્લા એક વર્ષમાં અનેક યુવતીઓને પરત લાવ્યા છે અને આ સપ્તાહમાં જ આ ત્રીજો કિસ્સો છે.

કોર્ટની કાર્યવાહી અને રક્ષણ હાઈકોર્ટે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ આ લગ્નની નોંધણી કરાવવા નિર્દેશ આપ્યો હતો. યુવકે કોર્ટમાં સોગંદનામું કર્યું છે કે તે યુવતીને ગરિમા અને સન્માન સાથે રાખશે અને તેની તમામ જરૂરિયાતો પૂરી કરશે. યુવતીને નારી સંરક્ષણ ગૃહમાંથી લગ્નની વિધિ પૂરી કરવા માટે પોલીસ પ્રોટેક્શન હેઠળ લાવવામાં આવી હતી. હાઈકોર્ટે રજિસ્ટ્રીને યુવતીના નામે ખાતું ખોલવા અને એફડીનું વ્યાજ તેના ખાતામાં જમા કરવા પણ આદેશ આપ્યો છે.

કોર્ટ પરિસરમાં સર્જાયેલી ઉત્તેજનાને જોતા પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ મામલે હવે આગામી 8 મે, 2026 ના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કિસ્સાએ ફરી એકવાર આંતરધર્મિય લગ્નો અને તેના સામાજિક-કાનૂની પાસાઓ પર ચર્ચા જગાવી છે.