Loading Please Wait !!!
રાજકોટમાં ત્રિપલ હત્યા કેસ બે શખ્સો જામીન પર મૂક્ત

  • દિવાળીના તહેવારમાં આંબેક્ટરનગરમાં ઘટના બની હતી


સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં ગત દિવાળીના તહેવાર દરમિયાન આંબેડકરનગર વિસ્તારમાં બનેલા બહુચર્ચિત ત્રિપલ મર્ડર કેસમાં 2 આરોપીઓને અદાલત દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. તહેવારના માહોલ વચ્ચે થયેલી આ લોહિયાળ ઘટનાએ સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાવી દીધી હતી. કાર અથડાવા જેવી અત્યંત સામાન્ય બાબતે થયેલી બબાલમાં બંને પક્ષે સામસામી હત્યાઓ થતા ક્રોસ ફરિયાદો નોંધાઈ હતી. આ કેસમાં પકડાયેલા આરોપીઓ સામે કોઈ નક્કર પુરાવા કે હથિયાર ન મળતા અને ચાર્જશીટ રજૂ થઈ ગયા બાદ કોર્ટે તેમને જામીન આપ્યા છે. આ ચુકાદો પોલીસની તપાસ કામગીરી અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા સામે પણ સવાલો ઉભા કરે છે.

ઘટનાની વિગત મુજબ, 20 ઓક્ટોબર 2025 ના રોજ રાત્રે આંબેડકરનગર શેરી નં. 11 માં સુધીર પરમાર અને તેના મિત્રો ઉભા હતા. ત્યારે રાવણ ચોક પાસે રહેતો અરુણ બારોટ પોતાની કાર ફૂલ સ્પીડમાં લઈને નીકળ્યો હતો અને ત્યાં પડેલા એક મહેમાનના મોટરસાયકલ સાથે કાર ભટકાડી હતી. આ બાબતે સુધીરના પિતા વિજય પરમાર અને મોટાબાપુ સુરેશ પરમાર સમજાવવા ગયા હતા. પરંતુ અરુણ, તેનો ભાઈ રમણ બારોટ અને અન્ય સાગરિતો હથિયારો સાથે ધસી આવ્યા હતા અને ઝઘડો ઉગ્ર બન્યો હતો.
આ ઝપાઝપી અને મારામારી દરમિયાન અરુણ બારોટ અને તેના સાગરિતોએ સુધીરના પિતા વિજય અને મોટાબાપુ સુરેશ પરમારને છરીના ઘા ઝીંકી દીધા હતા, જેથી બંનેના મોત નીપજ્યા હતા. સામા પક્ષે થયેલા હુમલામાં અરુણ બારોટને પણ ગંભીર ઈજાઓ થતાં તેનું પણ મોત થયું હતું. આમ આ બનાવ ત્રિપલ મર્ડરમાં પરિણમ્યો હતો. માલવીયાનગર પોલીસે BNS ની કલમો હેઠળ ગુનો નોંધી જગદીશ ઉર્ફે જગો ચૌહાણ, મનીષ ખીમસુરીયા અને રમણ બારોટની ધરપકડ કરી હતી.


પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ થયા બાદ આરોપી જગદીશ ચૌહાણ અને મનીષ ખીમસુરીયાએ જામીન અરજી કરી હતી. બચાવ પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે, ગુજરનારને આ બંને આરોપીઓએ કોઈ ઈજા પહોંચાડી હોવાનો, તેઓએ કોઈને પકડી રાખ્યા હોવાનો કે તેમની પાસેથી કોઈ હથિયાર મળ્યાનો પુરાવો ચાર્જશીટમાં નથી. ઓળખ પરેડમાં પણ તેઓની ઓળખ થઈ ન હતી. આ દલીલો ગ્રાહ્ય રાખીને રાજકોટ સેશન્સ અદાલતે જગદીશ ચૌહાણને અને ગુજરાત હાઈકોર્ટે મનીષ ખીમસુરીયાને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો છે. 

આ કામમાં આરોપી વતી ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ આશીષભાઈ ડગલી તથા રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન એચ. જોષી, ખોડુભા સાકરીયા, જયવિર બારૈયા, ધવલભાઈ પુરોહીત, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર યશ ખેર, જય અકબરી, સહદેવસિંહ રાઠોડ રોકાયેલ હતા.