Loading Please Wait !!!
રાજકોટમાં સ્કૂલ ફીમાં 1500થી 5000 સુધીનો ભાવ વધારો

શિક્ષણ બન્યું મોંઘું : ફી, બસ, યુનિફોર્મ, સ્ટેશનરી બધું મોંઘું

મધ્યમવર્ગ માટે શિક્ષણ ખર્ચ બન્યો પડકાર : બે છેડા ભેગા કરવા અઘરા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં ૧૨ જૂનથી શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે જ વાલીઓ પર મોંઘવારીનો મોટો બોજો આવી પડ્યો છે. શહેરની અનેક શાળાઓએ પોતાની ફીમાં તોતિંગ વધારો કર્યો હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ ગુજરાતી માધ્યમની શાળાઓમાં રૂ. ૧૫૦૦થી ૨૭૦૦ સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ઇંગ્લિશ માધ્યમની શાળાઓમાં રૂ. ૩૫૦૦થી ૫૦૦૦ સુધી ફી વધારવામાં આવી છે. આ વધારાને કારણે મધ્યમવર્ગીય પરિવારો માટે બાળકોનું શિક્ષણ વધુ મોંઘું બન્યું છે. ફક્ત શાળા ફી જ નહીં પરંતુ સ્કૂલ રિક્ષા, બસ અને વાનના ભાડામાં પણ વધારો નોંધાયો છે. સાથે સાથે સ્કૂલ યુનિફોર્મના ભાવમાં પણ વધારો થતાં વાલીઓના ખર્ચમાં વધુ વધારો થયો છે. એક તરફ શાકભાજી, કઠોળ, તેલ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ શિક્ષણ ખર્ચમાં થયેલા વધારાએ વાલીઓ માટે પરિસ્થિતિ વધુ કઠિન બનાવી દીધી છે. અનેક વાલીઓએ જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં બે છેડા ભેગા કરવું મુશ્કેલ બની રહ્યું છે.

વાલીઓમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ શાળા સંચાલકો પાસે ફી વધારો ઘટાડવા અથવા તબક્કાવાર વસૂલાત કરવાની માંગ કરી રહ્યા છે. જો સમયસર કોઈ રાહત ન મળે તો આ મુદ્દે વિરોધ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

મોંઘવારીથી પરિવાર દીઠ 5 હજારથી વધુનો ખર્ચ વધ્યો
રાજકોટમાં 41%ના મતે સ્થિતિ પણ કથળી

૨૦૨૫ ની સરખામણીએ ૨૦૨૬ માં લોકોનો ઘરખર્ચ વધ્યો હોવાનું ૮૪ ટકા રાજકોટીયન્સ માનું છે. આર્થિક પરિસ્થિતિ અંગે કરેલા સર્વેમાં ૮૮ ટકા લોકોની આગાહી છે કે, ૨૦૨૭માં પણ ઘરખર્ચ સતત વધશે. રોજિંદા વપરાશમાં આવતા બટાકા અને ટામેટા, દાળ, કઠોળ અને લસણના ભાવમાં આકરો વધારો થતાં ઘરખર્ચનું બજેટ વધી ગયું છે. સર્વેમાં ભાગ લેનારા ૪૧ ટકા લોકોનું માનવું છે કે ગત વર્ષની સરખામણીએ ૨૦૨૫માં તેમની આર્થિક સ્થિતિ કથળી હતી. ૨૬ ટકા લોકોના મતે આગામી વર્ષે પણ તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની કોઈ શક્યતા નથી. જ્યારે ૩૬ ટકા લોકોએ મોંઘવારી વધતા બિનજરૂરી ખર્ચમાં કાપ મૂક્યો હોવાનું કહયું હતું. આ ઉપરાંત ૩૪ ટકા લોકોએ બિનજરૂરી ખર્ચમાં કામ મૂક્યો હોવાનું કહે છે.

રાજ્યમાં પાઠ્ય પુસ્તકોના ભાવમાં કોઈ વધારો નહીં થાય

ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગેસ સહિત પેટ્રોલ ડીઝલ પર થઈ છે અને તેના ભાવમાં તબક્કાવાર વધારો થયો છે. આવી જ અસર વિદેશથી આયાત થતી દરેક ચીજ વસ્તુઓમાં થાય છે. પુસ્તકો માટેના કાગળ પણ વિદેશથી આવે છે. તેના ભાવમાં પણ વધારો થયો છે. પરંતુ તેનો બોજ વાલીઓ પર ન પડે તે હેતુસર ગુજરાત સરકારે પાઠ્ય પુસ્તકોમાં ભાવ વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો હોવાનું પાઠ્ય પુસ્તક બોર્ડના કાર્યવાહક ચેરમેન મનુભાઈ પાવરાએ જણાવ્યું છે. આગામી ૮ જૂનના રોજ સ્કૂલોમાં વેકેશન ખુલી રહ્યું છે. જેથી વાલીઓ પણ પુસ્તકો સહિતની ખરીદીમાં વ્યસ્ત છે. હાલ નોટબુક અને સ્ટેશનરી સહિતની વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જો કે રાજ્ય સરકારના આ નિર્ણયથી મોંઘવારીમાં થોડી ઘણી રાહત મળશે. મનુભાઈ પાવરાએ કહ્યું કે, જૂના ભાવથી જ બોર્ડના પુસ્તકો વાલીઓને મળશે. જો કે તેમણે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હાલની સ્થિતિના કારણે પુસ્તકો વહેલી તકે વિદ્યાર્થીઓને મળી રહે તેવી બોર્ડ તરફથી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

જીવનજરૂરી વસ્તુનો ખર્ચ

વસ્તુ 2023 2024 2025 (અંદાજિત) 2026 (અંદાજિત)
તુવેર દાળ 180 230 245 255
મગની દાળ 112 160 170 180
ચણાની દાળ 100 150 160 165
અડદની દાળ 120 200 210 220
ચોખા 35 71 78 85
સિંગતેલ 173 191 200 210
કપાસિયા 106 149 155 165
ઘઉંનો લોટ 30 45-55 55-60 60-65
લસણ 110 400 250-300