ઓછો વરસાદ, મોંઘવારી, બેરોજગારી મુદ્દાના ડરથી વિધાનસભાનું સત્ર માત્ર 3 દિવસનું
કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારના આક્રમા પ્રહાર
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર માત્ર ૩ દિવસ માટે બોલાવવામાં આવતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વિરોધ પક્ષ કોંગ્રેસે સત્રના ટૂંકા ગાળાને લઈને રાજ્ય સરકાર સામે આક્રોશ ઉઠાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમારે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર જનતાના સળગતા પ્રશ્નોનો સામનો કરવાથી બચવા માટે જાણીજોઈને સત્ર ટૂંકું આટોપી લેવાનો કારસો રચી રહી છે. બંધારણીય જોગવાઈ મુજબ દર ૬ મહિને વિધાનસભાનું સત્ર બોલાવવું ફરજિયાત હોય છે, જેથી સરકારની કામગીરીની સમીક્ષા થઈ શકે અને લોકોના પાયાના પ્રશ્નો વાચા મેળવી શકે.
શૈલેષ પરમારે જણાવ્યું કે હાલ સમગ્ર ગુજરાતમાં મોંઘવારી, શિક્ષિત યુવાઓમાં વ્યાપક બેરોજગારી અને વરસાદની ભારે ઘટથી ખેડૂતોમાં ઊભી થયેલી વિકટ સ્થિતિ જેવા અનેક ગંભીર પ્રશ્નો મોં ફાડીને ઊભા છે. આ સંવેદનશીલ મુદ્દો પર ગૃહમાં ચર્ચા કરવાથી શાસક પક્ષ ડરી રહ્યો છે અને તેથી જ વિધાનસભાની બેઠકોની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ગૃહમાં પ્રજાનો અવાજ બુલંદ ન કરી શકા તેવો પદ્ધતિસરનો પ્રયાસ સરકાર દ્વારા થઈ રહ્યો હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો.
સત્રની વાસ્તવિક અવધિ અંગે સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું કે, સત્રના પ્રથમ દિવસે દિગ્ગત ધારાસભ્ય યોગેશ પટેલના મનમાં શોકપ્રસ્તાવ પસાર કરી ગૃહનું કામકાજ મોકૂફ રાખવામાં આવશે. પરિણામે, ધારાસભ્યો પાસે પ્રજાહિતના મુદ્દાઓની ચર્ચા કરવા માટે વાસ્તવમાં માત્ર ૨ દિવસનો જ સમય બચશે. ૭ કરોડથી વધુ જનતાનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થામાં આટલા ટૂંકા ગાળામાં રાજ્યના ગંભીર પ્રશ્નો પર પૂરતી અને વિસ્તૃત ચર્ચા કેવી રીતે શક્ય બનશે, તેવો વેધક સવાલ કોંગ્રેસે ઉપસ્થિત કર્યો છે. હાથ પર માત્ર ૨ દિવસનું કામકાજ હોવા છતાં કોંગ્રેસ પક્ષ પ્રજાહિત માટે આક્રમક રીતે લડી લેવાના મૂડમાં છે. શૈલેષ પરમારે સ્પષ્ટ કર્યું કે, વરસાદની ખેંચના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ધરતીપુત્રોની વેદના, વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો, પેપર લીક અને પરીક્ષાઓની અનિયમિતતા, વધતી જતી મોંઘવારી તેમજ યુવાનોની બેરોજગારીના મુદ્દો ગૃહમાં પૂરી તાકાત સાથે રજૂ કરવામાં આવશે. ટૂંકા સત્રના બહાને ભાગવા માંગતી સરકારને વિધાનસભા ઘેરવા માટે કોંગ્રેસે સંપૂર્ણ રણનીતિ તૈયાર કરી લીધી છે.