દેશનું સૌથી ભણેલું યૂવા મંત્રી મંડળ
=> તમિલનાડુથી ભારતના નવા યુગનો પ્રારંભ
=> ભારતના ઈતિહાસમાં એજ્યુકેશન પાવરનો યુગ: દેશને મળ્યું સૌથી સ્માર્ટ કેબિનેટ
=> Educated Rule નો ઉદય : દેશની નજર તમિલનાડુ પર
સિટી ન્યૂઝ@ચેન્નઇ
ભારતના રાજકીય ઇતિહાસમાં શિક્ષણ અને વ્યાવસાયિક કુશળતાના એક નવા અધ્યાયની શરૂઆત તમિલનાડુમાં થઈ છે. ૧૦ મે ૨૦૨૬ના રોજ સી. જોસેફ વિજય (થલાપતિ વિજય) દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ, તેમની સરકાર હવે તેના ઉચ્ચ શિક્ષિત મંત્રીમંડળને કારણે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં TVK (તમિલગા વેત્રી કડગમ) ની ભવ્ય જીત બાદ અસ્તિત્વમાં આવેલી આ સરકારને ભારતની અત્યાર સુધીની સૌથી વધુ શિક્ષિત કેબિનેટ માનવામાં આવી રહી છે.
આ મંત્રીમંડળની સંરચના પર નજર કરીએ તો તેમાં વિદ્વતા અને તકનીકી નિપુણતાનો અદભૂત સમન્વય જોવા મળે છે. વિજય કેબિનેટમાં ૬ પીએચડી ધારક વિદ્વાનો, ૨૨ અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ) અને ૨૫ સ્નાતક સભ્યોનો સમાવેશ થાય છે. વિશેષ આકર્ષણ એ છે કે મંત્રીમંડળમાં ૫ આઈઆઈટી (IIT) એન્જિનિયર, ૮ એમબીબીએસ ડોક્ટર્સ અને ૪૦ જેટલા વકીલ તથા એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા નિષ્ણાતોને સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રકારની વ્યાવસાયિક ટીમ રાજ્યના વહીવટમાં તકનીકી અને આધુનિક દ્રષ્ટિકોણ લાવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
શિક્ષણની સાથે આ મંત્રીમંડળમાં યુવા જોશને પણ પ્રાધાન્ય અપાયું છે. વિરુધ્ધનગરના શિવકાશી બેઠક પરથી ધારાસભ્ય બનેલા ૨૯ વર્ષીય એસ. કીર્તના કેબિનેટના સૌથી યુવા સભ્ય તરીકે સ્થાન પામ્યા છે, જે રાજ્યના યુવાનોમાં નવી આશા જગાડે છે. રાજકીય વિશ્લેષકો આ ફેરફારને પરંપરાગત દ્રવિડ રાજનીતિથી એક કદમ આગળ વધીને શિક્ષણ, વિકાસ અને પ્રોફેશનલિઝમ પર કેન્દ્રિત થતા 'નવી પેઢીના રાજકારણ' તરીકે જોઈ રહ્યા છે. મુખ્યમંત્રી વિજયની આ ટીમ તમિલનાડુના સર્વાંગી વિકાસ માટે ક્રાંતિકારી નિર્ણયો લેશે તેવી રાજ્યની જનતામાં અતૂટ શ્રદ્ધા જોવા મળી રહી છે.