Loading Please Wait !!!
રાજકોટમાં ખાનગી શાળાઓને ટક્કર આપતી પ્રથમ હાઇટેક સરકારી ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ

  • ભગવતીપરામાં 19 Croreના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે શિક્ષણનો નવો સૂર્યોદય.
  • 29 સ્માર્ટ ક્લાસ અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ સાથે ગરીબ વિદ્યાર્થીઓને મળશે વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન.
  • RTEમાં ભણેલા બાળકો માટે આશીર્વાદરૂપ; પ્રથમ દિવસે જ 15 વિદ્યાર્થીઓના એડમિશન.

સિટી ન્યુઝ @ રાજકોટ : ગુજરાત રાજ્યના સ્થાપનાકાળના 66 વર્ષ બાદ રાજકોટના આંગણે શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. શહેરના અલ્પવિકસિત ગણાતા ભગવતીપરા વિસ્તારમાં શિક્ષણ વિભાગ અને સામાજિક કાર્યકરોની મહેનતથી 19 Croreના ખર્ચે પ્રથમ હાઇટેક અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક શાળાનું નિરમાણ કરવામાં આવ્યું છે. 1 મે, 2026ના રોજ આ શાળા વિધિવત રીતે કાર્યરત થઈ છે અને પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ 15 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવીને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કર્યો છે.

આ હાઇટેક સ્કૂલનું બિલ્ડિંગ 2000 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવે છે, જેમાં ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવા 29 સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર કરાયા છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અહીં માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ લાઈબ્રેરી, ઇ-લાઈબ્રેરી, સાયન્સ લેબ અને કોમ્પ્યુટર લેબ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. રમતગમત ક્ષેત્રે પણ શાળા મોખરે રહે તે હેતુથી બેડમિંટન કોર્ટ, ટેબલ ટેનિસ, વોલીબોલ ટ્રેક અને એથ્લેટીક્સ ટ્રેક જેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, આ શાળા ખાસ કરીને RTE હેઠળ ધોરણ 1 થી 8માં અંગ્રેજી માધ્યમમાં ભણેલા ગરીબ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અગાઉ આર્થિક મર્યાદાને કારણે વાલીઓને ફરજિયાતપણે બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવવા પડતા અથવા ખાનગી શાળાઓની મોંઘી ફી ભરવી પડતી હતી. હવે આ સરકારી શાળા મળવાથી તેજસ્વી બાળકો અંગ્રેજી માધ્યમમાં જ પોતાનો ઉચ્ચ અભ્યાસ કોઈપણ આર્થિક ભારણ વગર ચાલુ રાખી શકશે.

શિક્ષણની ગુણવત્તા જાળવી રાખવા માટે હાલ 48 સરકારી શાળાઓમાંથી 'ઇંગ્લીશ હેન્ડ' ધરાવતા નિષ્ણાત શિક્ષકોની અહીં નિમણૂક કરવામાં આવી છે. ભવિષ્યમાં જ્ઞાન સહાયક અને શિક્ષણ સહાયક યોજના અંતર્ગત કાયમી ધોરણે અંગ્રેજી માધ્યમના શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. આ સાથે જ શાળામાં સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી અને કાઉન્સિલિંગ રૂમ જેવી સુરક્ષાત્મક અને શૈક્ષણિક જરૂરિયાતોનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ભૌગોલિક રીતે દૂર રહેતા વિદ્યાર્થીઓ માટે પરિવહન સુવિધા પણ સુગમ બનાવવામાં આવી છે, જેમાં સીટી બસના રૂટ નંબર 43 અને 86 આ શાળા સુધી કનેક્ટિવિટી પૂરી પાડશે. સામાજિક કાર્યકર જયદીપ પરમાર અને તેમની ટીમ દ્વારા આ શાળાનો વધુમાં વધુ પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેથી છેવાડાના બાળકો આ હાઇટેક શિક્ષણનો લાભ લઈ શકે. સરકારી ઇંગ્લીશ મીડીયમ માધ્યમિક શાળા નંબર 100 દ્વારા આગામી દિવસોમાં વધુ 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.