રાજકોટ HPV રસીકરણમાં 100 ટકા કામગીરીથી રાજ્યમાં પ્રથમ
સિટી ન્યૂઝ@રાજકોટ : સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી એચપીવી (HPV) રસીકરણ ઝુંબેશમાં રાજકોટ મહાનગરપાલિકાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. 14 થી 15 વર્ષની વયજૂથની 10622 કિશોરીઓને રસી આપવાનો લક્ષ્યાંક 100 ટકા પૂર્ણ કરીને રાજકોટ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી ગયું છે. ગત 24 એપ્રિલ 2026 ના રોજ આ લક્ષ્યાંક પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મનપાને આ સિદ્ધિ બદલ વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત 28 ફેબ્રુઆરીના રોજ દેશવ્યાપી HPV રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત જે દીકરીઓએ 14 વર્ષ પૂર્ણ કર્યા હોય અને 15 વર્ષ પૂર્ણ ન કર્યા હોય તેવા વયજૂથને રસી આપવામાં આવી રહી છે. રાજકોટમાં આ 100 ટકા કામગીરીની સિદ્ધિ બદલ તંત્રએ શહેરની જાગૃત જનતા, શાળા સંચાલકો, રસી લેનાર દીકરીઓ અને મોટીવેશનમાં મદદ કરનાર તમામ સદસ્યોનો આભાર માન્યો છે. આ કામગીરી અત્યંત ખંતથી કરવા બદલ તમામ આશા વર્કર્સ, ફીમેલ હેલ્થ વર્કર્સ, RBSK ટીમના સદસ્યો, મેડિકલ ઓફિસરો અને આરોગ્ય અધિકારીઓને મનપા કમિશનર તુષાર સુમેરા અને નાયબ કમિશનર સી. કે. નંદાણી દ્વારા અભિનંદન પાઠવી બિરદાવવામાં આવ્યા છે.