કૈલાશ માનસરોવર યાત્રા માટે ચીનના આકરા પ્રતિબંધો
- માનસરોવર કિનારે જવા, પૂજા કરવા અને કથા પર સંપૂર્ણ પ્રતિબંધ
- આયોજકોની 1 લાખ ડોલરની ડિપોઝિટમાંથી હવે દંડની રકમ વસૂલાશે
સિટી ન્યૂઝ@રાજકોટ : કૈલાશ માનસરોવર યાત્રા પર જતા ભારતીય યાત્રાળુઓ અને આયોજકો માટે ચીન દ્વારા નવી આકરી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. શિવ વંદના ટ્રસ્ટના ડૉ. યશવંત ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ચીન દ્વારા 4 પેજની એડવાઈઝરીમાં ભારતીય યાત્રિકોની આસ્થાની કસોટી કરતા અનેક નવા નિયમો અને પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.વર્ષ 2017 થી માનસરોવરમાં સ્નાન અને કિનારે યજ્ઞ-પૂજા પર પ્રતિબંધ હતો, પરંતુ હવે યાત્રાળુઓને માનસરોવરના કિનારા સુધી જવાની પણ મનાઈ ફરમાવી દેવાઈ છે. માનસરોવર કિનારે કથા કે પ્રવચન પર પ્રતિબંધ મૂકાયો છે. કથાકાર માત્ર હોલમાં જ પ્રવચન કે પૂજા કરી શકશે, અને ભવનમાં યજ્ઞ કે પૂજા સમયે અગ્નિ પ્રગટાવવાની પણ મનાઈ છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારના લોગો, સ્લોગન, QR કોડ કે બેનર પ્રદર્શિત કરવા પર સખ્ત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ડૉ. ગોસ્વામીએ જણાવ્યું કે, આ વખતે પાન-માવા, ફાકી, તમાકુ અને સોપારી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે, જેનાથી ગુજરાતી યાત્રિકોને સૌથી વધુ તકલીફ પડશે. જો કોઈ યાત્રિક પ્રતિબંધિત વસ્તુઓ સાથે પકડાશે તો તેની સાથે આખા ગ્રુપને ભોગવવું પડશે. આ સિવાય શરાબ, માંસ, પ્રાણીજન્ય પેદાશો, દૂધ-ડેરી ઉત્પાદનો, ઈંડા, તાજા ફળ, શાકભાજી, જ્વલનશીલ વસ્તુઓ અને ગેસ સિલિન્ડર લઈ જવા પર સખ્ત મનાઈ છે.
આયોજકો માટે પણ નિયમો કડક કરાયા છે. વર્ષ 2025 થી આયોજકો પાસેથી 1,00,000 ડોલર ડિપોઝિટ પેટે લેવાય છે, જેમાંથી હવે નિયમ ભંગ બદલ દંડની રકમ વસૂલાશે. યાત્રાના રૂટ પર નિયંત્રિત વિસ્તારમાં વિડિયો કે ફોટોગ્રાફી કરવા, પરવાનગી વગર ગ્રુપ છોડવા કે એકલા યાત્રા કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
અગાઉ પરમિટ બાદ 3 થી 4 દિવસમાં વિઝા આવી જતા હતા, પરંતુ હવે નવી સિસ્ટમમાં 10 થી 12 દિવસનો સમય લાગી શકે છે. 1 મહિના પૂર્વે ભારતીય રસોડું લઈ જવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, પરંતુ શિવ વંદના ટ્રસ્ટના ઉગ્ર વિરોધ બાદ તે નિર્ણય મોકૂફ રખાયો છે. આ યાત્રા અંગેની વધુ માહિતી માટે 9427495175 પર સંપર્ક કરી શકાશે.