Loading Please Wait !!!
જુનિયર ટપુ ફેમ જેનિશ બુદ્ધદેવનો આજે જન્મદિવસ


સિટી ન્યૂઝ@રાજકોટ : ગુજરાતી ફિલ્મ અને હિન્દી સિરિયલોના જાણીતા યુવા કલાકાર અને 'જુનિયર ટપુ' તરીકે પ્રખ્યાત રાજકોટના જેનિશ બુદ્ધદેવે 19 વર્ષ પૂર્ણ કરી 20માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. બહોળો મિત્ર વર્ગ અને વિશાળ ફેન ફોલોઈંગ ધરાવતા જેનિશને આજે સોશિયલ મીડિયા પર જન્મદિવસની અઢળક શુભકામનાઓ મળી રહી છે.

નાની ઉંમરે મોટી સફળતા મેળવનાર જેનિશે પોતાના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરી હતી. તેમણે સદભાવના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને નાસ્તો કરાવી અને ઝૂંપડપટ્ટીના બાળકોને ભોજન કરાવીને આશિષ મેળવ્યા હતા. તેમના આ જન્મદિવસ પર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને રાજસ્થાન (જોધપુર) ના ધારાસભ્ય અતુલ ભણસાલી સહિતના દિગ્ગજ નેતાઓએ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી.
ધાર્મિક વૃત્તિ ધરાવતા જેનિશને જગવિખ્યાત પ્રેમાનંદજી મહારાજના ગુરુ શ્રી મોહિત મરાલ ગોસ્વામીજી પાસેથી ગુરુદીક્ષા પણ પ્રાપ્ત થઈ છે. બાળપણથી જ એક્ટિંગનો શોખ ધરાવતા જેનિશે મુંબઈમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને માત્ર 17 વર્ષની નાની ઉંમરે અભિનય જગતમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

તાજેતરમાં સુપરહિટ થયેલી ગુજરાતી ફિલ્મ 'ધમણ'માં જેનિશનો મહત્વનો રોલ હતો. આ ઉપરાંત તેણે અહલ્યાબાઈ, મેરે સાંઈ, વિઘ્નહર્તા ગણેશ, રાધાકૃષ્ણ અને ભીમરાવ આંબેડકર જેવી અનેક હિન્દી સિરિયલોમાં કામ કર્યું છે. અગાઉ તેઓ મલ્હાર ઠાકર સાથે 'શુભયાત્રા' ફિલ્મનું પ્રમોશન અને ખજૂરભાઈ (નીતિન જાની) સાથે સ્ટેજ પણ શેર કરી ચૂક્યા છે.
હાલમાં મુંબઈ ખાતે એક્ટિંગની વધુ તાલીમ લઈ રહેલા જેનિશની આ સફળતા પાછળ તેમના પિતા ભરતભાઈ બુદ્ધદેવ, માતા દક્ષાબેન, ભાઈ જયદીપ અને ભાભી શ્વેતાબેનનું સતત પ્રોત્સાહન રહેલું છે.