ગોંડલના મોવિયા ગામે જબરું જમીન કૌભાંડ
સિટી ન્યૂઝ@રાજકોટ : ગોંડલના મોવિયા ગામની કિંમતી જમીન પડાવી લેવા કારસો રચાયો હતો અને કૌભાંડીઓએ ખોટી ઓળખ આપી દસ્તાવેજ બનાવી લેતાં ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.બોગસ ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજ બનાવી મૂળ માલિક હોવાની ઓળખ આપી સાક્ષી પણ ડુપ્લીકેટ ઉભા કરી દીધા હતા.
બનાવ અંગે બાબરાના પાનસડા ગામે રહેતા જીતેન્દ્રભાઈ ભાઈલાલભાઈ મહેતા (ઉ.વ.66) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભાવનાબેન.કે.ચાવડા (રહે.દેરડી ગોંડલ), તુષાર નરોત્તમદાસ દુદાણી (રહે. આસોપાલવ સોસાયટી, ગોંડલ), વિપુલગીરી ગોસ્વામી (રહે.મોવિયા, ગોંડલ), ઉત્તમસિંહ અભેસિંહ રાઠોડ (રહે.મનહર પ્લોટ/7 રાજકોટ) તેમજ વેંચાણ દસ્તાવેજ કરનાર અજાણ્યા પુરુષ અને મહિલાનું નામ આપતા ગોંડલ તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહીતા ની કલમ-૩૩૬(૨),૩૩૬(૩), ૩૩૮,૩૪૦(૨),૬૧(૨) મુજબ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે. તેઓને બગસરાના નવા વાઘણીયા ગામે રહેતા કાંતિભાઈ નંદલાલ પાઠક અને મધુબેન કાંતિભાઈ પાઠકે પોતાની મોવિયા ગામે આવેલ સર્વે નંબર 100 પૈકી 1 પૈકી 3 ની 1-86-16 હેકટર જમીનનો તમામ પ્રકારનો વહીવટ કરવા કુલમુખત્યાર નામું કરી આપેલ હતું. ગઈ તા. 3-10-2025 થી તા. 22-12-2025 દરમ્યાન આરોપીઓએ પોતાનો એક સમાન ગુનાહિત ઇરાદો પાર પાડવા પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી કે જમીનના મૂળ માલિકની જાણ બહાર આરોપી અજાણી મહિલા અને પુરુષે મૂળ માલિક કાંતિભાઈ પાઠક તથા મધુબેન પાઠકના ખોટા નામ ધારણ કરી બોગસ ચૂંટણી કાર્ડ મેળવી તેમજ આરોપી ભાવનાબેન, તુષાર, વિપુલગીરી અને ઉત્તમસિંહએ સાક્ષી તરીકે રહી અજાણા વ્યક્તિઓએ કાંતિભાઈ પાઠક અને મધુબેન છે તેવી રજીસ્ટ્રાર રૂબરૂ ખોટી ઓળખ આપી કિંમતી બનાવટી બોગસ દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ આઈપીએસ પ્રખરકુમાર અને ટીમે તપાસ આદરી હતી.