Loading Please Wait !!!
બીડીના 2 રૂપિયા મુદ્દે ગોંડલના દેવડામાં પિતા-પુત્ર પર હુમલો

  • 10 રૂપિયાની બીડીના 12 રૂપિયા લેવા બાબતે બોલાચાલી બાદ 5 શખ્સોનો આતંક
  • પાનના ગલ્લેથી ઘરે જઈને ધોકા, પાઇપ અને પથ્થરથી પિતા-પુત્રને માર માર્યો

    સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફાકી, સિગારેટ કે પાનમાં ભાવવધારા મુદ્દે અવારનવાર ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાતા હોય છે. ત્યારે ગોંડલ તાલુકાના દેવડા ગામે માત્ર બીડીના 2 રૂપિયા વધારે લેવા જેવી નજીવી બાબતે બઘડાટી બોલી ગઈ હતી. પાનના ધંધાર્થી સહિતના 5 શખ્સોએ ગ્રાહકના ઘરે જઈને પિતા-પુત્ર પર પાઇપ, ધોકા અને પથ્થરથી ઘાતક હુમલો કરતા ગામમાં ચકચાર મચી ગઈ છે.
    પ્રાપ્ત વિગત મુજબ, દેવડા ગામમાં રહેતા 35 વર્ષીય પરેશ મીઠાભાઈ રાઠોડ ગઈકાલે સાંજે ગામમાં આવેલી વિનોદ ભીખાભાઈ રાઠોડની પાનની દુકાને બીડી લેવા ગયા હતા. તેઓએ 'વકીલ છાપ' બીડીનું 1 બંડલ લીધું હતું, જેના વિનોદે 12 રૂપિયા લીધા હતા. જેથી પરેશે પૂછ્યું હતું કે, "10 રૂપિયાની બીડી આવે છે તો 2 રૂપિયા વધારે કેમ લીધા?" આ સામાન્ય બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ પરેશ પોતાના ઘરે જતા રહ્યા હતા.
    આ બોલાચાલીનો ખાર રાખીને રાત્રે 8 વાગ્યાની આસપાસ વિનોદ, વિક્રમ, મોહન અને બીજા 2 થી 3 અજાણ્યા શખ્સો પરેશના ઘરે ધસી આવ્યા હતા. આ ટોળકીએ ઘરે આવીને ઝઘડો શરૂ કર્યો હતો અને ધોકા તથા પાઇપ વડે પરેશને બેફામ માર માર્યો હતો તેમજ પથ્થરના ઘા પણ કર્યા હતા. આ હુમલામાં પરેશને ગંભીર ઈજાઓ થઈ હતી. પોતાના પુત્રને બચાવવા વચ્ચે પડેલા તેમના 62 વર્ષીય પિતા મીઠાભાઈ દેશાભાઈ રાઠોડને પણ માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
    આ હુમલા બાદ ઈજાગ્રસ્ત પિતા-પુત્ર બંનેને તાત્કાલિક સારવાર માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પરેશને માથા અને શરીરના ભાગે વધુ ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. ગામમાં માત્ર 2 રૂપિયા મુદ્દે થયેલી આ ધીંગાણાની ઘટના હોટ ટોપિક બની છે. ગોંડલ પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.