Loading Please Wait !!!
જામનગરમાં વડાપ્રધાન મોદીનું આગમન: રવિવારે રાત્રિ રોકાણ અને સોમવારે સોમનાથ પ્રયાણ

  • એરફોર્સ સ્ટેશનથી સર્કિટ હાઉસ સુધીનો ‘મિનિટ-ટુ-મિનિટ’ કાર્યક્રમ જાહેર; તંત્ર સજ્જ
  • એરબેઝ પર મુખ્યમંત્રી સહિતના નેતાઓ કરશે સ્વાગત; સર્કિટ હાઉસ અભેદ્ય કિલ્લામાં ફેરવાયું
  • SPG અને પોલીસના ચુસ્ત પહેરા વચ્ચે હિટમેન મોદીનું જામનગરમાં રાત્રિ રોકાણ

સિટી ન્યુઝ @ જામનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસ અને રાત્રિ રોકાણને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ‘મિનિટ-ટુ-મિનિટ’ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન રવિવારે રાત્રે જામનગર પહોંચશે અને સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ સોમવારે સવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા રવાના થશે. વડાપ્રધાનના આગમનને પગલે શહેરના મુખ્ય માર્ગો પર પોલીસનો ચુસ્ત પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે 9:00 વાગ્યે દિલ્હીથી વિશેષ વિમાન મારફતે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કરશે. એરબેઝ પર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી સહિતના અગ્રણીઓ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. આ સાથે જ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્વાગત પ્રોટોકોલમાં ઉપસ્થિત રહેશે.

રાત્રે 9:05 વાગ્યે વડાપ્રધાનનો કાફલો એરફોર્સ સ્ટેશનથી સર્કિટ હાઉસ જવા રવાના થશે. એરફોર્સ સ્ટેશનથી સર્કિટ હાઉસ સુધીના માર્ગમાં લાલ બંગલા સર્કલ ખાતે શહેર ભાજપના કાર્યકરો અને નાગરિકો દ્વારા વડાપ્રધાનનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે. અંદાજે રાત્રે 9:25 વાગ્યે વડાપ્રધાન જામનગર સર્કિટ હાઉસ પહોંચશે. સુરક્ષાના ભાગરૂપે સર્કિટ હાઉસને અત્યારે એસપીજી (SPG) અને સ્થાનિક પોલીસ દ્વારા અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે.

સોમવારે સવારે વડાપ્રધાનની દિનચર્યા 7:00 વાગ્યે શરૂ થશે. ત્યારબાદ સવારે 8:30 વાગ્યે તેઓ સર્કિટ હાઉસથી મોટર માર્ગે ફરી એરફોર્સ સ્ટેશન પહોંચશે. જામનગર એરબેઝ પરથી તેઓ હેલિકોપ્ટર મારફતે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પ્રયાણ કરશે. વડાપ્રધાનના પ્રવાસને લઈને સમગ્ર શહેરમાં ટ્રાફિક નિયંત્રણના કડક આદેશો જારી કરવામાં આવ્યા છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર પી.બી. પંડ્યા, રાજકોટ રેન્જ આઈજીપી નીર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા ડૉ. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સુરક્ષાનું પૂરતું આયોજન કરવામાં આવ્યું છે. સર્કિટ હાઉસ ખાતે ફાયર બ્રિગેડની ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે. જામનગરની જનતામાં પણ વડાપ્રધાનના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગોને સુશોભિત કરવામાં આવ્યા છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.