રાજકોટ-ભાવનગર હાઇવે લોહીલુહાણ: ટેમ્પો પલ્ટી જતાં આધેડનું મોત, 11 ઘાયલ
- કારને બચાવવા જતાં માલવાહક વાહન પલટ્યું; સુરત જતો પરિવાર હોસ્પિટલ ભેગો થયો.
- પિયરથી પરત ફરતા સુરતના દંપતી અને 4 સંતાનોને નડ્યો અકસ્માત; 1નું કરુણ મોત.
- 12 મુસાફરો ભરેલો ટેમ્પો ઊંધો વળ્યો; આજીડેમ પોલીસે ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ કરી.
સિટી ન્યુઝ @ રાજકોટ
રાજકોટ-ભાવનગર હાઇવે પર કાળીપાટ ગામ નજીક રાજ ખોડલ હોટલ પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પર યુ-ટર્ન લઈ રહેલી એક ફોર વ્હીલર કારને બચાવવા જતાં ટાટા કંપનીનું માલવાહક મિની આઈસર વાહન અચાનક પલ્ટી મારી ગયું હતું. આ ગંભીર દુર્ઘટનામાં ભીમાભાઇ અમરશીભાઈ મકવાણા નામના આધેડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે વાહનમાં સવાર અન્ય 11 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્ત થયેલા 11 લોકો પૈકી 10 લોકોને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે વાહન ચાલક માંડલભાઈ ગુંજાભાઈ માંડને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજીડેમ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતમાં ભોગ બનનારાઓમાં સુરત રહેતા ચોવસીયા પરિવારના કુલ 6 સભ્યોનો સમાવેશ થાય છે. મૂળ જસદણના દહીસરા ગામના રહેવાસી જીતેશભાઇ ધીરુભાઈ ચોવસીયા, તેમના પત્ની અંજલીબેન અને તેમના ચાર માસૂમ સંતાનો - મિતલ, નતાશા, અનુસ અને કાર્તિક ઇજાગ્રસ્ત થયા છે. આ પરિવાર પિયરથી પરત ફરીને રાજકોટ થઈને સુરત જવા રવાના થયો હતો, પરંતુ કાળીપાટ પાસે નડેલા કાળમુખા અકસ્માતે તેમની ખુશીઓને માતમના માહોલમાં ફેરવી નાખી છે.
મળતી વિગત મુજબ, અકસ્માતગ્રસ્ત મિની આઈસર (નંબર GJ.03.BY.5551) માં દૂધના કેન અને 7 મુસાફરો સહિત કુલ 12 લોકો સવાર હતા. ઇજાગ્રસ્ત અંજલીબેન ચોવસીયા ભાડલા ગામે તેમના પિયર ગયા હતા અને ત્યાંથી આ માલવાહક વાહનમાં બેસી રાજકોટ આવવા નીકળ્યા હતા. રાજકોટ પહોંચી તેઓ ખાનગી ટ્રાવેલ્સમાં સુરત જવાના હતા, પરંતુ તે પૂર્વે જ હાઇવે પર પલ્ટી મારી ગયેલા ટેમ્પોને કારણે બાળકો સહિત આખો પરિવાર લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ભેગો થયો છે.
હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને ડોક્ટરો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હાઇવે પર પૂરપાટ ઝડપે દોડતા વાહનો અને અણધારી રીતે લેવામાં આવતા યુ-ટર્ન અવારનવાર આવા નિર્દોષ લોકોના ભોગ લેતા હોય છે. પોલીસે આ મામલે કાર ચાલક અને ટેમ્પો ચાલકની બેદરકારી અંગે ઊંડી તપાસ શરૂ કરી છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારી શકાય.