Loading Please Wait !!!
ભગુડાના આંગણે આઈ મોંગલના ૩૦મા પાટોત્સવની ભવ્ય ઉજવણી

  • મોરારી બાપુની ઉપસ્થિતિમાં માંગલ શક્તિ એવોર્ડ અર્પણ; લોક ડાયરામાં સુર-સંગીતની જામી રમઝટ
  • ડાયરામાં ડોલર અને ચાંદીની નોટોનો વરસાદ; કિર્તીદાન અને રાજભા ગઢવીએ જમાવી જમાવટ

સિટી ન્યૂઝ@રાજકોટ : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને લાખો ભક્તોના આસ્થાના કેન્દ્ર એવા ભગુડા મોંગલધામ ખાતે આઈ મોંગલના ૩૦મા પાટોત્સવની અત્યંત ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પરમ્ ઉત્સવને લઈને સમગ્ર ભગુડા ગામ ભક્તિમય બની ગયું હતું અને હજારોની સંખ્યામાં માનવ મહેરામણ માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યું હતું.
પાટોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તીર્થધામ ભગુડાને સુંદર ફૂલો અને આકર્ષક લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું. ભક્તોએ લાંબી કતારોમાં ઉભા રહીને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.
રાત્રિના સમયે આયોજિત વિશેષ કાર્યક્રમમાં વિશ્વવિખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદહસ્તે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને માંગલ શક્તિ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોંગલધામ ટ્રસ્ટના પ્રમુખ માયાભાઈ આહીર, જયરાજભાઈ આહીર, મહેશદાન ગઢવી (બોટાદ), પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પાટોત્સવની રાત્રે યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ રમઝટ બોલાવી હતી. કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, જીગ્નેશ બારોટ, સાઈરામ દવે અને ગોપાલ સાધુ જેવા કલાકારોના સૂરો પર ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન કલાકારો પર ડોલર, ભારતીય ચલણી નોટો અને ચાંદીની નોટોનો અભૂતપૂર્વ વરસાદ થયો હતો. જ્યારે મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી હજારો લોકોએ એકસાથે માતાજીની આરતી કરી ત્યારે અનોખો અને દિવ્ય નજારો જોવા મળ્યો હતો.