Loading Please Wait !!!
અમરેલીમાં ક્રૂર હત્યા: યુવકને માર મારી મોતને ઘાટ ઉતાર્યો, વીડિયો વાયરલ

  • યુટ્યુબર તરુણ બાંભણિયા સહિત 3 આરોપી 
  • સામે ગુનો નોંધાયો, પ્રેમ પ્રકરણ બન્યું કારણ

સિટી ન્યૂઝ@અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. જેમાં પરણિતાને ભગાડી જનાર ૨૬ વર્ષીય યુવકને ઢોર માર મારી હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે જાણીતા યુટ્યુબર તરુણ બાંભણીયા (તરુણ આહીર) સહિત ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનામાં પ્રેમ પ્રકરણમાં યુવકને ઢોર માર માર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
મૃતક યુવક નિલેશ રમેશભાઈ ચુડાસમા ઉ.વ. ૨૬ જે સુરતમાં કડિયાકામ કરતો હતો તેને એક પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. નિલેશ આ મહિલાને ભગાડીને લઈ ગયો હતો. આ બાબતની અદાવત રાખીને આરોપીઓએ યુવકને શોધી કાઢ્યો હતો અને સાવરકુંડલાના બાઢડા ગામ પાસે પીડિત યુવકને ઢોર માર માર્યો હતો. બાઢડા વિરાણી હાઈસ્કૂલની નજીકથી માર મારેલ યુવક ગંભીર હાલતમા મળી આવ્યો જેને તાત્કાલીક સારવાર માટે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પીડિત યુવક નિલેશભાઇનું મોત નીપજ્યું હતું.
આ સમગ્ર કેસમાં સોશિયલ મીડિયાના દુરુપયોગની ગંભીર ધટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામના યુટ્યુબર તરુણ બાંભણીયા (તરુણ આહીર) નિલેશને શોધી કાઢ્યા બાદ તેને નીચે બેસાડી માફી મંગાવતો વીડિયો શૂટ કર્યો હતો. વીડિયોમાં યુવકને પરણિત મહિલાને ભગાડવા બદલ માફી માંગવા માટે મજબૂર કર્યો હોય તે દેખાય છે. અને પીડિત યુવકને ઢોર માર માર્યો હતો.
આરોપીએ મૃતકના માતા અને ભાઈ પર દબાણ લાવીને પણ એક વીડિયો બનાવડાવ્યો હતો. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહને પીએમ અર્થે ભાવનગર ફોરેન્સિક લેબ ખાતે ખસેડવામાં આવ્યું છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે યુટ્યુબર તરુણ બાંભણીયા(આહિર), વિજય દાનાભાઇ નકુમ, અમિત હડિયા સહિત કુલ ત્રણ લોકો સામે હત્યાની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.