Loading Please Wait !!!
રાજકોટમાં ફૂડ વિભાગની રેડ

  • મસાલા અને બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના સેમ્પલ લેવામાં આવ્યા
  • મસાલા, દુધ અને બેકરી પ્રોડક્ટ્સમાં ભેળસેળ રોકવા ફુડ સેફ્ટી એક્ટ હેઠળ તપાસનો ધમધમાટ

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ શહેરમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યચીજો મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી છે. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસાલા માર્કેટ, ડેરી અને મોટા મોલમાંથી ખાદ્ય પદાર્થોના કુલ 38 નમૂના મેળવી પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ તપાસ દરમિયાન રૈયા રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ અને મોરબી રોડ પર આવેલી વિવિધ મસાલા માર્કેટમાં તવાઈ બોલાવવામાં આવી હતી. જેમાં હળદર, મરચું, જીરું, ધાણાજીરું અને રાઈ જેવા લૂઝ તેમજ પેકેજ્ડ મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ તમામ 38 નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો કોઈ નમૂનો ફેઈલ જશે અથવા તેમાં ભેળસેળ માલૂમ પડશે, તો સંબંધિત પેઢી કે ઉત્પાદક સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
જેમાં (૧) પેડક રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે મહેતા મસાલા ભંડારમાંથી ધાણી અને જીરું (૨) મોરબી રોડ પર જકાતનાકા પાસેની પંચસરા મસાલા અને માં શક્તિ મસાલા ભંડારમાંથી હળદર અને મેથી (૩) રૈયા રોડ પર જે.કે.પાર્કમાંથી ખોડિયાર મસાલા બજાર અને કરણ મસાલા માર્કેટમાંથી હળદર, રાઈ અને મરચું પાવડર (૪) 150 ફૂટ રિંગ રોડ પર શ્રી ખોડિયાર મસાલા માર્કેટમાં આવેલ રઘુવંશી મસાલા અને ભગવતી મસાલામાંથી વિવિધ મસાલાના નમૂના લેવાયા છે.

રિલાયન્સ મોલમાંથી નમુના લેવાયા
માત્ર લૂઝ મસાલા જ નહીં, પરંતુ જાણીતી બ્રાન્ડ્સ અને ૧૫૦ રીંગ રોડ પર આવેલ રિલાયન્સ માર્કેટ જેવા મોટા મોલ્સમાં પણ તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી ફૂડ વિભાગની ટીમે ગૂડલાઈફ, સુહાના અને કેચ જેવી બ્રાન્ડના મરચું, હળદર, ધાણા પાવડર અને કાળા તલના પેકેજ્ડ નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પરાબજારમાંથી હાથી બ્રાન્ડની રાજાપુરી હળદર, કાશ્મીરી મરચું અને રાઈના પેકેજ્ડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જયારે અક્ષર માર્ગ ઉપરથી કાનહાઇ ફૂડ્સ લિ. માંથી જામ રોલ કુકીઝનો નમૂનો લેવાયો હતો.