મોરબી મનપાનું બુલડોઝર ફર્યું: મચ્છી પીઠ વિસ્તારમાં દબાણોનો કચ્ચરઘાણ
- નોટિસ છતાં દબાણ ન હટાવનારા વેપારીઓ સામે લાલઆંખ; જેસીબીની મદદથી કાચા-પાકા દબાણો દૂર કરાયા
- ડેપ્યુટી કમિશનરની આગેવાનીમાં દબાણ હટાવ ઝુંબેશ; ઓટલા અને છાપરા તોડી પડાયા
- મચ્છી પીઠમાં અગાઉ દબાણ હટાવાયા છતાં સ્થિતિ જૈસે થી રહેતા તંત્રએ આકરું વલણ અપનાવ્યું
સિટી ન્યુઝ @ મોરબી
મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને રોડ-રસ્તા પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે મહાનગરપાલિકાએ કમર કસી છે. જેના ભાગરૂપે આજે જૂના બસ સ્ટેશન પાછળ આવેલા મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકા દ્વારા સઘન દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જેસીબીની મદદથી અનેક કાચા-પાકા દબાણો અને ગેરકાયદે ઓટલાઓનો સફાયો કરવામાં આવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત અને ટેકનિકલ સ્ટાફ સાથે મચ્છી પીઠ વિસ્તારમાં પહોંચી હતી. અધિકારીઓએ સ્થળ પર પહોંચીને રોડ સાઈડના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાવી હતી. આ વિસ્તારમાં દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા બે દિવસ પહેલા એટલે કે સોમવારે જ નોટિસ આપી દેવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ કેટલાક જાગૃત વેપારીઓએ પોતાના દબાણો જાતે જ દૂર કરી લીધા હતા, પરંતુ જે બાકી રહેલા ઓટલા, છાપરા અને શેડ હતા તેને આજે મનપાની ટીમે જેસીબી વડે તોડી પાડ્યા હતા.
ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રોડ રસ્તાની સાઈડમાં થયેલા દબાણોને કારણે અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. અગાઉ પણ આ જ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ફરીથી દબાણો થઈ ગયા હોવાનું તંત્રના ધ્યાને આવતા આજે ફરી એકવાર કડક હાથે કામ લેવામાં આવ્યું છે. જે દબાણો બાકી હતા તે તમામ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા છે અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મોરબી મહાનગરપાલિકા દ્વારા હવે નિયમિત રીતે દર બુધવારે શહેરના કોઈને કોઈ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના મુખ્ય માર્ગોને ટ્રાફિક મુક્ત બનાવવાનો અને લોકોની અવરજવર માટે રસ્તાઓ પહોળા કરવાનો છે. મનપાની આ કડક કાર્યવાહીથી દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી સમયમાં પણ અન્ય વિસ્તારોમાં આ પ્રકારે ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.