Loading Please Wait !!!
જૂનાગઢમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: ચિત્રકૂટ સોસાયટીમાં વૃદ્ધાની ગળું કાપી ક્રૂર હત્યા

  • ઘરમાં એકલા સુનીતાબેનને અજાણ્યા શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યા; લૂંટ કે અદાવત? પોલીસ તપાસ તેજ
  • વારંવાર ફોન કરવા છતાં રિસીવ ન થયો અને પાડોશીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો; ઉચ્ચ અધિકારીઓ દોડ્યા
  • પતિ દુકાને અને પુત્ર બહાર હતો ત્યારે ત્રાટક્યા હત્યારા; સીસીટીવી ફૂટેજ ખંગાળતી ક્રાઈમ બ્રાન્ચ

સિટી ન્યુઝ @ જૂનાગઢ

જૂનાગઢ શહેરના ગીરીરાજ વિસ્તારમાં આવેલી શાંત અને સુઘડ ચિત્રકૂટ સોસાયટીમાં ૧૨ મેની સાંજે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક હત્યાની ઘટના સામે આવી છે. ૬૩ વર્ષીય વૃદ્ધા સુનીતાબેન રાયજાની તેમના જ નિવાસસ્થાને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને ક્રૂર હત્યા કરી નાખી છે. આ બનાવની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો છે. ઘટનાની ગંભીરતાને જોતા એસપી, ડીવાયએસપી (DySP) અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મૃતક સુનીતાબેન તેમના પતિ, પુત્ર અને વહુ સાથે રહેતા હતા. બનાવ સમયે સુનીતાબેન ઘરમાં એકલા જ હતા. તેમના પતિ માંગનાથ બજારમાં આવેલી પોતાની કાપડની દુકાને ગયા હતા, જ્યારે પુત્ર વ્યવસાયિક કામ અર્થે બહાર હતો અને પુત્રવધૂ પિયર ગઈ હતી. આ શૂન્યતાનો લાભ લઈને અજાણ્યા હત્યારાઓએ ઘરમાં પ્રવેશ કરી સુનીતાબેન પર હુમલો કર્યો હતો. પરિવારજનોએ સાંજના સમયે વારંવાર ફોન કરવા છતાં સુનીતાબેને કોલ રિસીવ ન કરતા, પરિવારે પાડોશીઓને ઘરે જઈને તપાસ કરવા વિનંતી કરી હતી. પાડોશીઓ જ્યારે ઘરમાં પ્રવેશ્યા ત્યારે સુનીતાબેનને લોહીલુહાણ હાલતમાં પડેલા જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા મુજબ, સુનીતાબેન રમેશભાઈ રાયજા (ઉંમર ૬૫ વર્ષ) પર કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે જીવલેણ ઇજા પહોંચાડી હતી, જેના કારણે તેમનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે તાત્કાલિક અસરથી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને મૃતકના પુત્રની ફરિયાદ લેવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસ આ કેસમાં લૂંટના ઈરાદા અથવા અંગત અદાવત એમ બંને દિશાઓમાં તપાસ કરી રહી છે. ઘરમાંથી કોઈ કિંમતી દાગીના કે રોકડ મિસિંગ છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. હત્યારાઓને ઝડપી પાડવા માટે પોલીસે સોસાયટી અને આસપાસના રસ્તાઓના સીસીટીવી (CCTV) ફૂટેજ એકત્ર કર્યા છે. આ ઉપરાંત, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા શંકાસ્પદ ઇસમોની શોધખોળ તેજ કરવામાં આવી છે. સાંજે ૬ વાગ્યા પછી બનેલી આ ઘટનાએ જૂનાગઢમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.