Loading Please Wait !!!
રામાયણના આધુનિક પ્રયોગો: કરોડોના બજેટ છતાં બોક્સ ઓફિસ પર હિટ કે ફ્લોપ?

  • રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મો પર વિવાદ, દર્શકોની શ્રદ્ધા સાથે રમત?
  • VFX ના નામે 4000 કરોડનો દાવ, પણ વિઝ્યુઅલ ઈફેક્ટ્સની પાછળ મૂળ આત્મા ખોવાવાનો ડર
  • 'આલ્ફા' માં આલિયાનો બોલ્ડ ડાયલોગ અને રણબીરના લુક સામે સોશિયલ મીડિયા પર બબાલ

સિટી ન્યૂઝ @ મુંબઈ

ભારતીય સિનેમામાં આજકાલ પૌરાણિક મહાકાવ્ય રામાયણ પરથી પ્રેરિત ફિલ્મો બનાવવાનો એક નવો અને હાઈ-રિસ્ક ટ્રેન્ડ શરૂ થયો છે. બોલિવૂડ અને સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા માથાઓ આ પરંપરાગત વાર્તાને મોર્ડન અંદાજમાં મોટા પડદા પર રજૂ કરવા તલપાપડ છે. આગામી જુલાઈ 2026 થી લઈને દિવાળી 2027 સુધીમાં અનેક મેગા-બજેટ ફિલ્મો રિલીઝ થવાની છે. જોકે, ભારતીય પ્રેક્ષકોની રામાયણ અને ભગવાન રામ પ્રત્યેની ઊંડી શ્રદ્ધાને જોતા, આ આધુનિક પ્રયોગો બોક્સ ઓફિસ પર ટકી શકશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.

હાલમાં સૌથી વધુ ચર્ચા નિતેશ તિવારીની 4000 કરોડના બજેટવાળી 'રામાયણ' ની છે, જેમાં રણબીર કપૂર શ્રીરામના રોલમાં છે. જોકે, રણબીરના વેસ્ટર્ન હીરો જેવા જિમ-ટોન્ડ બોડી અને ગોરા વર્ણને લઈને સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા થઈ રહી છે. બીજી તરફ, યશરાજ ફિલ્મ્સની સ્પાય થ્રિલર 'આલ્ફા' માં આલિયા ભટ્ટ 'સીતા' નામની જાસૂસનો રોલ કરી રહી છે, જેનો ડાયલોગ "આ વખતે સીતા પોતે લંકા સળગાવવા આવી છે" ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતો હોવાનો આરોપ લાગી રહ્યો છે. આ ઉપરાંત, એસ.એસ. રાજામૌલી પણ મહેશ બાબુ સાથે ટાઈમ ટ્રાવેલ આધારિત 1200 કરોડની સાયન્સ-ફિક્શન 'વારાણસી' લાવી રહ્યા છે.

અગાઉના પ્રયોગો પર નજર કરીએ તો, વર્ષ 2023માં 500 કરોડના ખર્ચે બનેલી પ્રભાસની 'આદિપુરુષ' તેના નબળા VFX અને ડાયલોગ્સને કારણે ફ્લોપ રહી હતી. તાજેતરમાં રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેન' પણ રામાયણના ટચ સાથે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી. આ દર્શાવે છે કે આજના હાઈ-ટેક યુગમાં પણ ભવ્ય સેટ્સ કે હોલીવુડ કક્ષાના સંગીત કરતાં દર્શકો વાર્તાની મૂળ પવિત્રતા અને સાદગીને વધુ મહત્વ આપે છે.

રામાનંદ સાગરની સીરિયલનો જાદુ અકબંધ

સિનેમાના 50 વર્ષના ઇતિહાસમાં જો કોઈ રામાયણ દર્શકોના દિલ પર રાજ કરી શકી હોય, તો તે 1980ના દાયકાની રામાનંદ સાગરની સીરિયલ છે. તેમાં કોઈ આધુનિક ફેરફાર વગર વાર્તાને પરંપરાગત રીતે રજૂ કરવામાં આવી હતી. આધુનિક ફિલ્મોમાં ભલે ઑસ્કાર વિજેતા ટીમ VFX અને સંગીત આપે, પરંતુ મૂળ આત્મા વગર દર્શકોનો સ્વીકાર મેળવવો મુશ્કેલ છે.