નાણા મંત્રાલય દ્વારા દેશવ્યાપી બેન્કિંગ શિબીર અભિયાન શરૂ!
-
પંચાયતોમાં ખાતા ખોલવા અને વિશેષ યોજનાકીય નામાંકનની સુવિધા!
-
ડિજિટલ છેતરપિંડી સામે જાગૃતિ લાવવા માટે ખાસ આયોજન!
-
જનધન અને બચત ખાતા ખોલવા પર વિશેષ ભાર!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દેશના નાગરિકોને સરકારી યોજનાઓ અને બેન્કિંગ સેવાઓ સાથે જોડવા માટે નાણા મંત્રાલય દ્વારા એક મોટું અને મહત્વપૂર્ણ બે મહિનાનું ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી નાણાકીય સેવાઓ પહોંચાડવાનો છે.
આ અભિયાન અંતર્ગત દેશભરની અંદાજે 2.7 લાખ ગ્રામ પંચાયતો અને શહેરી સ્થાનિક પાલિકાઓમાં વિશેષ બેન્ક શિબીરોનું આયોજન કરવામાં આવશે, જ્યાં લોકોને સરકારી યોજનાઓમાં નામાંકન કરવા તેમજ જનધન સાથે બચત ખાતાં ખોલવાની સરળ સુવિધા પૂરી પાડવામાં આવશે.
આ શિબીરોમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને અટલ પેન્શન યોજનામાં નવા નામાંકન કરાવવા ઉપરાંત ખેડૂતોને પાક વીમા યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ માટેના આવેદનોમાં વિશેષ મદદ કરવામાં આવશે.
આ ઉપરાંત, નાણાકીય સમાવેશની સાથે-સાથે લોકોને આજની વધતી જતી ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે જાગૃતિ કાર્યક્રમો યોજાશે અને 'આપકી પુંજી આપકા અધિકાર' અભિયાન હેઠળ બિનવારસી નાણાકીય અસ્કયામતો વિશે પણ માહિતી અપાશે.
આ વિશેષ અભિયાન દ્વારા શૂન્ય બેલેન્સવાળા ખાતાં ખોલવા, રી-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી, આધાર લિંકિંગ કરાવવું તેમજ બેંક લોકર અને ખાતાઓમાં નોમિનેશન વિગતો અદ્યતન કરવા જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નાણાકીય સમાવેશ અને બેન્કીંગ સુરક્ષા વધારતું અભિયાન
નાણા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલું બે મહિનાનું આ વિશેષ અભિયાન ગ્રામીણ વિસ્તારોમાં નાણાકીય સમાવેશકતા વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પંચાયતોમાં બેન્ક શિબીરો યોજીને શૂન્ય બેલેન્સ ખાતાં, સરકારી વીમા યોજનાઓ તેમજ પેન્શનના નામાંકન ઘર આંગણે મળી રહેવાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. આ ઉપરાંત, કેવાયસી અપડેટ અને ડિજિટલ છેતરપિંડી અંગેની જાગૃતિથી છેવાડાના માનવીઓનું આર્થિક ભવિષ્ય વધુ સુરક્ષિત અને સશક્ત બની શકશે.