દેશના પ્રાઈમરી આઈપીઓ માર્કેટમાં રોકડી કરવાની દોટ
-
ફેક ગ્રે માર્કેટ પ્રીમિયમનો પ્રચાર કરીને લલચાવ્યા
-
એસએમઈ આઈપીઓનું નબળું પ્રદર્શન અને ફંડિંગ
-
માસિક અને વાર્ષિક વળતરના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
સિટી ન્યુઝ @ અમદાવાદ
દેશના પ્રાઈમરી-આઈપીઓ માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અનેક કંપનીઓના પ્રમોટરો, બુક રનિંગ લીડ મેનેજરો અને મર્ચન્ટ બૅન્કરો દ્વારા રોકડી કરી લેવાની બેફામ દોટ મૂકવામાં આવી રહી છે. પ્રાઈમરી માર્કેટની આ કૃત્રિમ બૂમમાં સામાન્ય રિટેલ રોકાણકારોને ફસાવવા માટે અનેક પ્રકારના હથકંડા અપનાવવામાં આવ્યા છે. જેમાં ફેક ગ્રે માર્કેટ પ્રીમિયમનો પ્રચાર કરવો અને કંપનીઓ વિશે રોકાણકારોને આંજી નાખે તેવા વાસ્તવિકતાથી વિપરીત ગુલાબી અહેવાલોનો પ્રસાર કરીને રોકાણકારોને આઈપીઓ ભરવા માટે મજબૂર કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટપણે જોવા મળ્યું છે.
બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) ના એસએમઈ પ્લેટફોર્મ પર અસંખ્ય એસએમઈ આઈપીઓ લાવીને પ્રમોટરોએ અબજો રૂપિયા ઉઘરાવી લીધા છે અને રોકાણકારોને નબળા શેરો પધરાવી દીધા છે. ભારતના સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસીઝ (એસએમઈ) ના આઈપીઓનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું છે. આ વર્ષે નોંધાયેલા મોટાભાગના એસએમઈ આઈપીઓ તેમના ઈસ્યુ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 161 એસએમઈ આઈપીઓ શેરબજારમાં લિસ્ટ થયા છે, જેમાંથી કુલ 7,171 કરોડ રૂપિયા જેટલું ભંડોળ એકત્ર કરાયું હતું, પરંતુ તેમાંથી 81 આઈપીઓ હાલમાં તેમના ઈસ્યુ ભાવથી નીચે જઈને ટ્રેડ થઈ રહ્યા છે.
જુલાઈથી સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન લિસ્ટ થયેલા એસએમઈ આઈપીઓનું મધ્યમ વળતર 5 ઓક્ટોબર સુધીમાં માઈનસ 0.7 ટકા રહ્યું હતું અને આ સમયગાળામાં 52 ટકા શેર ઇસ્યુ પ્રાઈસથી નીચે ચાલતા હતા. જ્યારે વર્ષના પ્રથમ છ મહિનામાં પણ સ્થિતિ સુધરી નહોતી અને 49 ટકા આઈપીઓ નુકસાનમાં રહ્યા હતા. છેલ્લા એક વર્ષ દરમિયાન નિફ્ટી એસએમઈ ઈમર્જ ઈન્ડેક્સમાં 2.63 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે બજારની નબળી સ્થિતિ દર્શાવે છે.
નિષ્ણાતોનું માનવું છે કે કેટલીક કંપનીઓ સારા વેલ્યુએશન સાથે બજારમાં આવે છે, પરંતુ મોટાભાગના શેરોમાં કૃત્રિમ ભાવ નિર્ધારણ થયું હોવાની પ્રબળ આશંકા છે. ગ્રે માર્કેટમાં અવાસ્તવિક ઊંચા પ્રીમિયમ બોલાવીને રોકાણકારોને ભોરમાવી દેવાયા છે, પરંતુ હવે વાસ્તવિક વેલ્યુએશન ઈસ્યુભાવથી નીચા આવી જવાથી એસએમઈ આઈપીઓ સેગ્મેન્ટમાં મોટાપાયે પોલમપોલ હોવાનું ખુલ્લું પડી ગયું છે.
આ પ્રકારની અનિયમિતતાઓ અને નબળા પ્રદર્શનથી રિટેલ રોકાણકારોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે, ત્યારે બજાર નિયમનકારો દ્વારા જો કડક પગલાં નહીં લેવામાં આવે તો રોકાણકારોને વધુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
શેરબજાર અને રોકાણ સુરક્ષા
પ્રાઈમરી માર્કેટમાં રોકાણ કરતા પહેલાં કંપનીના ફંડામેન્ટલ્સ અને વાસ્તવિક વેલ્યુએશનની ચકાસણી કરવી એ દરેક રોકાણકાર માટે અત્યંત આવશ્યક છે.