Loading Please Wait !!!
ITBP ડીજીએ સ્વીકાર્યું સરહદ પર ઘર્ષણ ચાલુ છે!

 

  • અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ ચાલુ!

  • ITBP ના શૌર્ય કમાન્ડો સરહદે સંભાળી રહ્યા મોરચો!

  • સરહદ સુરક્ષા મુદ્દે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર પર પ્રહારો!

     

    સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

    વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને ભારત-તિબેટ સરહદ પોલીસ (ITBP)ના મહાનિર્દેશક શત્રુજીત કપૂરે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે ગુરુવારે જણાવ્યું કે અરુણાચલ પ્રદેશમાં સરહદના અનેક સ્થળો પર આજે પણ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સામસામે ઘર્ષણની સ્થિતિ સર્જાય છે.

    ડીજીના આ નિવેદન બાદ દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને કોંગ્રેસે સરહદ સુરક્ષાના મુદ્દે કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. શત્રુજીત કપૂરે જણાવ્યું કે ITBPના તાજેતરમાં રચાયેલા 'શૌર્ય કમાન્ડો' આ પ્રકારના ઘર્ષણમાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી રહ્યા છે અને ઊંચાઈવાળા બર્ફીલા વિસ્તારોમાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારને આડે હાથ લેતા આક્ષેપ કર્યો કે એક તરફ સરકાર ચીનને સતત છૂટછાટો આપી રહી છે, જ્યારે ITBPના જવાનો બહાદુરીપૂર્વક સામનો કરી રહ્યા છે પરંતુ વડાપ્રધાન અને તેમનું તંત્ર સંપૂર્ણપણે મૌન સેવી રહ્યું છે.

    જયરામ રમેશે દાવો કર્યો કે તક્સિંગ, વાચા અને દમાઈ ખાતે થયેલા ઘર્ષણ બાદ લદ્દાખની જેમ ભારતીય પેટ્રોલિંગ પોઈન્ટ્સ હાથમાંથી સરકી ગયા છે. આ સાથે ચીન અરુણાચલના નગરોના નામ બદલી રહ્યું છે અને સરહદ નજીક 60,000 મેગાવોટનો વિશાળ ડેમ બનાવી રહ્યું છે, જે જળ સુરક્ષા માટે જોખમી છે.

    કોંગ્રેસે વડાપ્રધાનના ભૂતકાળના નિવેદનને ટાંકીને કહ્યું કે સરહદમાં કોઈના પ્રવેશ ન કરવાના દાવાની ક્લીન ચિટની કિંમત દેશ આજે પણ ચૂકવી રહ્યો છે, કારણ કે સરહદી સુરક્ષાને લઈને ગંભીર પડકારો યથાવત છે અને વિપક્ષ આ મુદ્દે સતત જવાબ માગી રહ્યો છે.

    સરહદ સુરક્ષા અને રાજકીય વિવાદ ગંભીર સવાલો

    વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે સર્જાતી ઘર્ષણની સ્થિતિ અને ITBP ડીજીના નિવેદને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને ફરી એજન્ડા પર લાવી દીધો છે. અરુણાચલ પ્રદેશમાં સૈનિકો આમને-સામને આવવાની ઘટનાઓ અને સરહદી વિસ્તારોમાં બદલાતી પરિસ્થિતિઓ સામે સરકારની નીતિઓ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. વિપક્ષી દળો દ્વારા કેન્દ્ર સરકારના મૌન સામે આલોચના કરવામાં આવી રહી છે, જે દેશની અખંડિતતા માટે ચિંતાજનક છે.