Loading Please Wait !!!
લિવ-ઈન રિલેશનશિપ મામલે ગુજરાત હાઈકોર્ટનો એક મહત્વનો ચુકાદો!

 

  • પરસ્પર સંમતિથી અલગ થતાં દુષ્કર્મનો દાવો રદ કર્યો!

  • ખોટા લગ્નવચનના દાવા પર હાઈકોર્ટે કરી મહત્વની સ્પષ્ટતા!

  • લેખિત કરાર કરનાર પુખ્ત યુગલના કેસમાં મોટો ચુકાદો!

સિટી ન્યુઝ @ અમદાવાદ 

ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા ઠરાવ્યું છે કે, જ્યારે બે પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી થયેલા લેખિત કરાર હેઠળ સાથે રહે છે અને ત્યારબાદ સ્વેચ્છાએ કરારનો અંત લાવે છે, ત્યારે લગ્નના ખોટા વચન પર પીડિતાનો દુષ્કર્મનો દાવો ટકાવી શકાતો નથી.

જસ્ટિસ ઈલેશ જે. વોરા અને જસ્ટિસ આર. ટી. વાચ્છાણીની ખંડપીઠે પૂર્વ લિવ-ઈન પાર્ટનર મહિલાની અપીલ ફગાવી દીધી હતી અને ટ્રાયલ કોર્ટ દ્વારા આરોપી પુરુષને નિર્દોષ ઠરાવવાના ચુકાદાને સંપૂર્ણપણે બહાલ રાખ્યો હતો.

અદાલતે સ્પષ્ટ કર્યું કે લિવ-ઈન રિલેશનશિપમાં લાંબા સમય સુધી સાથે રહેતા પુખ્ત વ્યક્તિઓના સંબંધોમાં માત્ર લગ્ન કરવાની ના પાડવામાં આવી હોય તેટલા માત્રથી પુરુષ વિરુદ્ધ દુષ્કર્મની ફોજદારી કાર્યવાહી ચલાવી શકાય નહીં, સિવાય કે શરૂઆતથી જ ખોટા ઈરાદાથી વચન અપાયું હોય.

કેસની વિગતો મુજબ, ફરિયાદી યુવતી અને યુવક અગાઉ લેખિત સમજૂતી સાથે ભાડાના મકાનમાં સાથે રહેતા હતા અને પાછળથી 29 જાન્યુઆરી 2020ના રોજ બંનેએ પરસ્પર સંમતિથી આ કરાર રદ કરીને અલગ થવાનો નિર્ણય કર્યો હતો, જેમાં કોઈ બળજબરી કે ધમકીનો ઉલ્લેખ ન હતો.

ટ્રાયલ કોર્ટે 31 જાન્યુઆરી 2026ના રોજ યુવકને નિર્દોષ છોડી મૂક્યો હતો, જેને હાઈકોર્ટે પણ યોગ્ય ગણાવ્યો છે અને જણાવ્યું કે બંને પક્ષકારો સ્વેચ્છિક રીતે સાથે રહ્યા હોય અને અલગ થયા હોય ત્યારે તેને દુષ્કર્મના દાયરામાં લાવી શકાય નહીં.

લિવ-ઈન રિલેશનશિપ અને તેના કાયદાકીય પાસાઓનું મહત્વ જ્યારે પુખ્ત વયના વ્યક્તિઓ પરસ્પર સંમતિથી સંબંધ બાંધે છે અને લેખિત કરાર દ્વારા અલગ થાય છે, ત્યારે સંબંધોમાં આવેલા મતભેદોને ફોજદારી ગુનાનો રંગ આપવો યોગ્ય નથી. અદાલતના આવા ચુકાદાઓ કાનૂની વ્યવસ્થામાં સ્પષ્ટતા લાવે છે અને સાબિત કરે છે કે સ્વેચ્છિક સંબંધોમાં કાયદાનો દુરુપયોગ અટકાવવો એ ન્યાયતંત્ર માટે અત્યંત આવશ્યક છે.