Loading Please Wait !!!
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધની શરૂઆત: ઈરાન સામે કુવૈત અને બહરીન દ્વારા પ્રથમવાર સીધા સૈન્ય પ્રહાર!

 

  • ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ બહરીન અને કુવૈતે ઈરાન પર પ્રથમ વખત સીધા હુમલા શરૂ કર્યા.

  • સાઉદી અરેબિયા આ બંને દેશોને ગુપ્ત માહિતી અને ડિફેન્સિવ એર કવર આપીને મદદ કરી રહ્યું છે.

  • અગાઉ આ દેશો માત્ર ડ્રોન કે મિસાઈલ તોડી પાડવા પૂરતી મર્યાદિત આત્મરક્ષણની કામગીરી કરતા હતા.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, તા. ૨૫ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વચ્ચે મિડલ ઈસ્ટ ક્ષેત્રમાં યુદ્ધ વધુ વકર્યું છે. ઈરાન દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓના જવાબમાં હવે અખાતી દેશો પણ સીધા યુદ્ધમાં કૂદી પડ્યા છે. 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના રિપોર્ટ અનુસાર, બહરીન અને કુવૈતે પ્રથમ વખત ઈરાન પર સીધા સૈન્ય હુમલા શરૂ કરી દીધા છે.

બહરીન અને કુવૈતે ઈરાનના મિસાઈલ સ્ટોરેજ અને મહત્ત્વના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ જવાબી કાર્યવાહીમાં સાઉદી અરેબિયા બંને દેશોને ઈન્ટેલિજન્સ અને ડિફેન્સિવ એર કવર આપીને મદદ કરી રહ્યું છે. અત્યાર સુધી કુવૈત અને બહરીન જેવા અખાતી દેશો માત્ર પોતાની આત્મરક્ષા પૂરતી જ કામગીરી કરતા હતા, પરંતુ ઈરાન તરફથી સતત થઈ રહેલા હુમલાઓને જોતા હવે આ દેશોએ આક્રમક વલણ અપનાવ્યું છે.

ઈરાન લાંબા સમયથી એવા દેશોને નિશાન બનાવી રહ્યું છે જ્યાં અમેરિકાના સૈન્ય બેઝ આવેલા છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે કુવૈતમાં આવેલા કેમ્પ ઉડૈરી, કેમ્પ દોહા, કેમ્પ આરિફજાન અને અલી અલ સલેમ એરબેઝને નિશાન બનાવ્યા છે. બીજી તરફ, બહરીનમાં પણ ઈમરજન્સી સાયરન વગાડી નાગરિકોને સુરક્ષિત સ્થળોએ રહેવાની સૂચના આપવામાં આવી છે.

રિપોર્ટ્સ મુજબ, યુએઈ અને સાઉદી અરેબિયા ઈરાન વિરુદ્ધની વ્યૂહાત્મક કામગીરીમાં જોડાયેલા છે, જ્યારે ઓમાન અને કતાર જેવા દેશોએ હજુ સુધી સીધા સૈન્ય હુમલા શરૂ કર્યા નથી. ઈરાન દ્વારા અનેક શહેરોને નિશાન બનાવવાના પ્રયાસો બાદ હવે અખાતી ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

અખાતી ક્ષેત્રમાં વધતો તણાવ અને વૈશ્વિક ચિંતા

મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા આ નવા સૈન્ય સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે સુરક્ષા અને આર્થિક સ્થિરતા સામે મોટા પડકારો ઊભા થયા છે, જેના પર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર ટકેલી છે.