ભારત સાથે મિત્રતા, પાકિસ્તાન પર ડોલરનો વરસાદ!
- કેનેડાની બેવડી નીતિ: ઇસ્લામાબાદને 47 મિલિયન ડોલરની જંગી નાણાકીય સહાય.
- અનીતા આનંદની મુલાકાત બાદ આતંકના આકા પાકિસ્તાનને કેનેડા તરફથી કરોડોનું ભંડોળ
- કેનેડાના વિદેશ મંત્રી સમક્ષ પાકિસ્તાને સિંધુ જળ સંધિનો મુદ્દો ફરીથી ઉછાળ્યો.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો લાંબા સમય સુધી તણાવપૂર્ણ રહ્યા હતા. જોકે કેનેડામાં માર્ક કાર્ની વડાપ્રધાન બન્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે. આ હકારાત્મક બદલાવ વચ્ચે કેનેડાએ પાકિસ્તાન માટે એક મોટી આર્થિક મદદની જાહેરાત કરીને વૈશ્વિક રાજનીતિમાં નવો વળાંક લાવ્યો છે. કેનેડાએ ઇસ્લામાબાદને કરોડો ડોલરની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે જે ભારત સાથેના તેના સુધરતા સંબંધો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.
કેનેડાના વિદેશ મંત્રી અનીતા આનંદ તાજેતરમાં પાકિસ્તાનની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સોમવારે પૂર્ણ થયેલી આ યાત્રા દરમિયાન જ કેનેડા સરકારે ઇસ્લામાબાદ માટે 47 મિલિયન ડોલરથી વધુના આર્થિક પેકેજની જાહેરાત કરી દીધી છે. ગ્લોબલ અફેર્સ કેનેડાના જણાવ્યા અનુસાર આ રકમ પાકિસ્તાનમાં વિકાસ કાર્યો, સુરક્ષા સહયોગ અને વિવિધ સામાજિક પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચવામાં આવશે. અનીતા આનંદે સ્પષ્ટ કર્યું કે કેનેડા વિવિધ સુરક્ષા પ્રોજેક્ટ્સ માટે 2.2 મિલિયન ડોલરનું નવું ફંડિંગ આપીને પાકિસ્તાનના સુરક્ષા પ્રયાસોને મજબૂત કરશે.
આ ઉપરાંત કેનેડા સાથે જોડાયેલા અન્ય 3 મોટા પ્રોજેક્ટ્સ માટે વધારાની 45 મિલિયન ડોલરની ફંડિંગની પણ મહોર મારવામાં આવી છે. કેનેડાના વિદેશ મંત્રીની હાજરીનો લાભ ઉઠાવીને પાકિસ્તાને ફરી એકવાર ભારત વિરુદ્ધ પોતાનો પ્રોપેગેન્ડા શરૂ કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે મુલાકાત દરમિયાન સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઇશાક ડારે જણાવ્યું હતું કે અમે કેનેડા સહિતના અમારા મિત્ર દેશો પાસેથી એવું સમર્થન ઈચ્છીએ છીએ જેથી ભારત સાથે સિંધુ જળ સંધિને તાત્કાલિક બહાલ કરી શકાય.
ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારતે કેનેડા પર પોતાની ધરતીનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે થવા દેવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જોકે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના ડેપ્યુટી કમિશનર લિસા મોરલેન્ડે તાજેતરમાં સ્પષ્ટ કર્યું હતું કે નિજ્જર કેસમાં ભારતીય અધિકારીઓની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. હવે નવા વડાપ્રધાન માર્ક કાર્નીના નેતૃત્વમાં કેનેડા અમેરિકા પરની પોતાની આર્થિક નિર્ભરતા ઘટાડવા ભારત તરફ હાથ લંબાવી રહ્યું છે અને ભારત સરકારે પણ તેમને યોગ્ય પ્રતિભાવ આપ્યો છે.
આ વર્ષે 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન કેનેડાના વડાપ્રધાને ભારતની મુલાકાત લીધી હતી જ્યાં બંને દેશો વચ્ચે યુરેનિયમ અને મહત્ત્વપૂર્ણ ખનિજોના પુરવઠા અંગે ઐતિહાસિક કરાર થયા હતા. તાજેતરમાં ફ્રાન્સના એવિયોન ખાતે યોજાયેલી G7 સમિટ દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડિયન વડાપ્રધાન કાર્ની વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત યોજાઈ હતી. નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ બેઠક અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એક વર્ષ કરતા ઓછા સમયમાં આ તેમની 4 મુલાકાત છે જે મજબૂત સંબંધો દર્શાવે છે.
ભારત અને કેનેડાના સંબંધોમાં નવા યુગની શરૂઆત
માર્ક કાર્નીના નેતૃત્વમાં કેનેડા ભારત સાથેના સંબંધોને ફરીથી મજબૂત કરવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યું છે. નિજ્જર વિવાદ બાદ બંને દેશો વચ્ચે વેપાર અને રાજદ્વારી સ્તરે મોટા હકારાત્મક કરારો થયા છે. જોકે પાકિસ્તાનને આપવામાં આવેલી મોટી નાણાકીય સહાય ભારતીય વર્તુળોમાં ચોક્કસપણે ચર્ચા જગાવશે. છતાં બંને દેશોના નેતાઓ વચ્ચેની સતત મુલાકાતો ભવિષ્યમાં વધુ મજબૂત અને સ્થિર આર્થિક ભાગીદારી સ્પષ્ટ કરે છે.