'ઓપરેશન હાર્ડ બોલ': અમેરિકા-FBI ના મેગા ઓપરેશનમાં 24 ગેંગસ્ટરો ઝડપાયા
- જેલમાંથી ઓપરેટ થતું બિશ્નોઈ ગેંગનું ગ્લોબલ નેટવર્ક તબાહ, હજારો કિલો ડ્રગ્સ અને હથિયારો જપ્ત
- કેલિફોર્નિયાથી કેનેડા સુધી દરોડા, 37 આરોપીઓ સામે ફેડરલ ગુના નોંધાયા
- જેલમાંથી સંચાલિત ખંડણીખોર ગેંગ્સના મૂળ પર સીધો પ્રહાર, લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી બ્રારના નેટવર્કની તપાસ
સિટી ન્યૂઝ @ વોશિંગ્ટન
અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) અને FBI દ્વારા ભારતીય સંગઠિત ગુનાહિત જૂથો સામે અત્યાર સુધીનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય અભિયાન 'ઓપરેશન હાર્ડ બોલ' સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે. આ સંયુક્ત કાર્યવાહીમાં કેલિફોર્નિયા, કેનેડા અને સ્પેન સહિતના વિસ્તારોમાં 50 થી વધુ સર્ચ વોરંટ બજાવી 24 રીઢા ગુનેગારોને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે 10 આરોપીઓ હાલ ફરાર છે. આ ઓપરેશન દ્વારા ભારતીય જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારાના વૈશ્વિક નેટવર્ક પર સીધો પ્રહાર કરવામાં આવ્યો છે.
ફેડરલ ચાર્જશીટ મુજબ, આ ગેંગ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની ગુનાહિત છબીનો પ્રચાર કરી વિદેશમાં વસતા ભારતીય મૂળના વેપારીઓ પાસેથી લાખો ડોલરની ખંડણી ઉઘરાવતી હતી. આ તપાસમાં સામે આવ્યું છે કે જૂન 2023માં કેનેડાના સરેમાં થયેલી હત્યાનો આદેશ પણ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે આપ્યો હતો. આ ઉપરાંત, ઓપરેશન હાર્ડ બોલમાં જગ્ગુ ભગવાનપુરિયાના ડ્રગ્સ અને કોન્ટ્રાક્ટ કિલિંગના નેટવર્ક તેમજ રવિન્દર સિંહ ઢાંડાના ડ્રગ્સ સપ્લાય સિન્ડિકેટ પર પણ એજન્સીઓએ તવાઈ બોલાવી છે.
તપાસ દરમિયાન એજન્સીઓને આશરે 1,000 કિલોગ્રામ કોકેન, 1 કિલો હેરોઈન, 12 ગેરકાયદેસર હથિયારો અને 40,000 ડોલરની રોકડ રકમ જપ્ત કરવામાં સફળતા મળી છે. FBI ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ઓપરેશને ત્રણ મોટા આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠનોના મૂળિયાં હલાવી દીધા છે. હિંસા અને ડર ફેલાવતા આ નેટવર્ક સામેની આ કાર્યવાહી સમાજ સુરક્ષા માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે, જે ભારતીય ગુનાહિત જૂથોના વૈશ્વિક ઓપરેશન પર લગામ લગાવશે.
ઓપરેશન હાર્ડ બોલની મુખ્ય વિગતો
અમેરિકા અને ભારતની સુરક્ષા એજન્સીઓ વચ્ચેના આ સંકલનથી ગુનાહિત વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ઓપરેશનમાં સામેલ ત્રણ અલગ-અલગ સિન્ડિકેટ્સ જેલમાંથી રહીને દેશ-વિદેશમાં ખંડણી, ડ્રગ્સની હેરાફેરી અને કોન્ટ્રાક્ટ કિલિંગ જેવી ગંભીર પ્રવૃત્તિઓ ચલાવતા હતા. 1,000 કિલો કોકેનનો જથ્થો એજન્સીઓની મોટી સફળતા ગણાય છે. આ કાર્યવાહી સાબિત કરે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનાખોરી ફેલાવનાર આરોપીઓ હવે સુરક્ષિત નથી અને તેમને ગમે ત્યાંથી પકડી લાવવામાં આવશે.